દિલ્હી : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસે સોમવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉના દિવસે બોસ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને તેમને બે દિવસ પહેલા પંચાયત ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા વિશે માહિતગાર કર્યા હતા.
બેઠકની તસવીરો શેર કરતા રાષ્ટ્રપતિ કાર્યાલયે ટ્વીટ કર્યું, “પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોસ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.” ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ માટે શનિવારે 61,000 મતદાન મથકો પર મતદાન દરમિયાન બંગાળમાં વ્યાપક હિંસા જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમને બે દિવસ પહેલા પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યમાં થયેલી હિંસા વિશે જાણકારી આપી હતી. સૂત્રોએ આ માહિતી આપી હતી. બેઠકમાં ચર્ચા સાથે જોડાયેલા પ્રશ્ન પર રાજ્યપાલે પત્રકારોને કહ્યું કે સવાર પહેલા ‘ગાઢ અંધકાર’નો સમય છે, ટૂંક સમયમાં ‘પ્રકાશ’ આવશે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કહ્યું કે આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે બોસે શાહને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને હિંસાગ્રસ્ત પંચાયત ચૂંટણીઓ વિશે માહિતી આપી હતી. પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં 15 લોકોના મોત થયા હતા. બોસે પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોની, ખાસ કરીને ઉત્તર 24 પરગણા જિલ્લામાં મુલાકાત લીધી હતી અને શનિવારે મતદાન દરમિયાન પરિસ્થિતિની સમિક્ષા કરી હતી.