Site icon Revoi.in

પશ્ચિમ બંગાળઃ હાઈકોર્ટના ન્યાયધીશ અભિજીત ગંગોપાધ્યાયએ રાજીનામું આપ્યું, ભાજપામાં જોડાશે

Social Share

નવી દિલ્હીઃ કોલકતા હાઈકોર્ટના ન્યાયધીશ અભિજીત ગંગોપાધ્યાયએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે ભાજપામાં સામેલ થવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું હતું. આ ઉપરાંત રાજીનામાની નકલ સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને કોલકતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ટીએસ શિવજ્ઞાનમને મોકલ્યું હતું.

ભાજપામાં જોડાવવાની જાહેરાત બાદ તેમણે કહ્યું હતું કે, પાર્ટી તેમને જ્યાંથી બેઠક ફાળવશે ત્યાંથી તેઓ લોકસભાની ચૂંટણી લડશે. સાત માર્ચના રોજ ભાજપામાં સામેલ થઈશ. ભાજપમાં સામેલ થવા મામલે તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાઈ રહ્યો છું કેમ કે તે એક રાષ્ટ્રીય પાર્ટી છે અને બંગાળમાં ટીએમસીના ભ્રષ્ટાચાર સામે લડી રહી છે. ન્યાયધીશ અભિજીત ગંગોપાધ્યાયએ શિક્ષક ભરતી કૌભાંડ સહિત અનેક કેસમાં મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. ગંગોપાધ્યાય આ વર્ષે જ ઓગ્સટમાં નિવૃત્ત થવાના હતા જો કે, તે પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે.

રાજીનામું આપતા પહેલા ન્યાયમૂર્તિ અભિજીત ગંગોપાધ્યાયએ જણાવ્યું હતું કે, ન્યાયધીશના રૂપમાં મે મારુ કામ પુરુ કર્યું છે. જો કે, કેટલાક વકીલો અને વાદીઓએ તેમને રાજીનામું આપવાના નિર્ણય ઉપર ફરી વિચાર કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજીનામું આપ્યા બાદ પોતાના ભવિષ્યની યોજના અંગે ખુલાસો કરીશ. રાજીનામું આપ્યા બાદ ન્યાયમૂર્તિ અભિજીત ગંગોપાધ્યાયએ પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરશે. લોકસભા ચૂંટણી પૂર્વે જ તેમણે ભાજપામાં જોડાવવાની જાહેરાત કરી હતી.