કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ઈડી ઉપર હુમલાની ઘટનાને ત્રણ મહિના બાદ ફરી એકવાર એનઆઈએની ટીમ ઉપર હુમલાની ઘટના બની છે. પૂર્વ મિદનાપુરમાં ભૂપતિનગરમાં અજાણઅયા શખ્સોએ તપાસનીશ એજન્સીના વાહન ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં વાહનને ભારે નુકશાન થયું છે. એનઆઈએની ટીમ એક મામલે ભૂપતનગર બ્લાસ્ટમાં કેન્દ્રીય સુરક્ષાદળ સાથે એક આરોપીને ઝડપી લેવા માટે ગઈ હતી દરમિયાન અજાણ્યા શખ્સોએ એનઆઈએની ટીમ ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એનઆઈએના બે અધિકારીઓને ઈજા થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર એનઆઈએ અધિકારીઓના એક વાહન ઉપર શનિવારે પશ્ચિમ બંગાળના પૂર્વીય મેદિનાપુર જિલ્લાના ભૂપતિનગર વિસ્તારમાં ગ્રામીણોએ હુમલો કર્યો હતો. તપાસનીશ એજન્સી અહીં વર્ષ 2022માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ માટે ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, એનઆઈએ અધિકારીઓની એક ટીમ સવારે આરોપીને પકડીને કોલકત્તા પરત જઈ રહી હતી દરમિયાન તેમના વાહન ઉપર હુમલો થયો હતો. સ્થાનિકોએ વાહનને ઘેરીને ભારે પથ્થરમારો કર્યો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એનઆઈએ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ કેન્દ્રીય પોલીસ દળની એક ટીમ ભૂપતિનગર પહોંચી ગઈ છે. ધરપકડ કરાયેલા આરોપી સાથે એનઆઈએની ટીમ હાલ ભૂપતિનગરમાં હાજર છે. 3 ડિસેમ્બર 2022માં બૂપતિનગરમાં એક કાચા મકાનમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા. આ ઘટનાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઈએ ઉપર થયેલા હુમલાની આ ઘટનાને 5મી જાન્યુઆરીએ થયેલી ઘટનાની યાદી તાજી થઈ છે.
એનઆઈએની ટીમ ઉપર થયેલા હુમલાની ઘટનાની ભાજપાએ નિંદા કરી છે. ભાજપના નેતા અમિત માલવીયાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ઈડી અધિકારીઓ ઉપર હુમલા બાદ વધુ એક એજન્સી ઉપર હુમલાની ઘટના બની છે. પૂર્વીય મેદિનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં ટીએમસીના બે નેતાઓની ધરપકડ કરવા માટે એનઆઈએની ટીમ પહોંચી હતી ત્યારે તેમને નિશાન બનાવવીને હુમલો કરાયો હતો.