પશ્ચિમ બંગાળઃ ટીએમસીના આગેવાનની પત્નીનો એકે-47 ગન સાથેનો ફોટો વાયરલ
કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ ટીએમસીના પૂર્વ નેતાએ પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ નીમિત્તે પત્નીને ગીફ્ટમાં એકે-47 ગન આપી હતી અને હાથમાં ગન સાથેનો પત્નીનો ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ અંગેનો વિવાદ વકરતા અંતે ટીએમસીના નેતાએ તાત્કાલિક ફોટોગ્રાફ સોશિયલ મીડિયાથી હટાવી લીધો હતો, એટલું જ નહીં પોતાનો બચાવ કરતા કહ્યું કે, પત્નીએ રમકડાંની ગન સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. આ વિવાદ વકરતા ભાજપાએ ટીએમસી ઉપર ગંભીર આક્ષેપ કરીને સમગ્ર બનાવની ઉંડાણપૂર્વકની તપાસની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટીએમસીના પૂર્વ નેતા રિયાઝુલ હકના લગ્નની પ્રથમ વર્ષ ગાંઠ નીમિતે તેમણે પત્નીને એક ગીફ્ટ આપી હતી. આ ગીફ્ટ બીજું કંઈ નહીં પણ એકે-47 ગન હતી. એટલું જ નહીં આ અંગેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. સમગ્ર મામલે વિવાદ વકરતા ટીએમસીના નેતાએ પત્નીનો ગન સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં દુર કરીને બચાવમાં કહ્યું કે, પત્ની હાથમાં જે ગન હતી તે રમકડાંની હતી. આ મામલે ભાજપાના બીરભૂમિ જિલ્લાના અધ્યક્ષ ધુરબો સાહાએ ટીએમસી સામે આક્ષેપ કરીને કહ્યું હતું કે, રિયાઝુલ આ બંદુક ક્યાંથી લાવ્યાં હતા તેની તપાસ થવી જોઈએ. મે તેમની ફેસબુક પોસ્ટ જોઈ હતી. તેઓ રાજ્યના ડેપ્યુટી સ્પીકરના નજીકના મનાય છે. સમગ્ર મામલે વિપક્ષી વાનપંથી પાર્ટીએ યોગ્ય તપાસની માંગણી કરી છે. તેમજ ટીએમસી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા.