પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશ સરહદ પાસેથી સુરક્ષા જવાનોએ 1.43 કરોડના સોનાના બિસ્કીટ પકડ્યાં
નવી દિલ્હીઃ BSFએ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી રૂ. 1.43 કરોડની કિંમતના સોનાના 23 બિસ્કિટ જપ્ત કર્યા હતા. દાણચોર આ બિસ્કિટને બાંગ્લાદેશથી ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષા જવાનોને જોઈને દાણચોર સોનાના બિસ્કટ ફેંકીને પગત બાંગ્લાદેશ તરફ ભાગી ગયો હતો.
દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના પ્રવક્તાએ જણાવ્યું કે, 107મી કોર્પ્સના જવાનો બોર્ડર આઉટપોસ્ટ માલિદા, સરહદ પર તૈનાત હતા. દરમિયાન બીએસએફ જવાનોને માહિતી મળી હતી કે, એક મોટી દાણચોરીની કાર્યવાહી થવાની છે. જવાનોએ જોયું કે બાંગ્લાદેશ તરફથી એક દાણચોર બેરિકેડ પાસે આવી રહ્યો છે. જ્યારે સૈનિકોએ તેને રોકવા માટે કહ્યું, ત્યારે તેણે બેરિકેડ પર એક પેકેટ ફેંકી દીધું અને બાંગ્લાદેશ પાછો ભાગી ગયો. જેથી ભારતીય સુરક્ષા જવાનોએ સરહદ નજીક સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સર્ચ દરમિયાન જવાનોને એક પેકેટમાંથી સોનાના 23 બિસ્કિટ મળી આવ્યા હતા. સૈનિકોએ તરત જ તેમના કંપની કમાન્ડરને આની જાણ કરી હતી. જપ્ત કરાયેલા સોનાનું વજન 2683.04 ગ્રામ છે, જેની કિંમત 1.43 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટને કસ્ટમને સોંપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. આ ઉપરાંત સરહદ ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત-બાંગ્લાદેશ સરહદ પર એક સપ્તાહ દરમિયાન બીએસએફની આ બીજી મોટી સફળતા છે. તાજેતરમાં, 6 માર્ચે, બોર્ડર આઉટપોસ્ટ કલ્યાણી, 158 કોર્પ્સના જવાનોએ સરહદ પર 2.64 કરોડ રૂપિયાની કિંમતના 40 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા.
સાઉથ બંગાળ ફ્રન્ટિયરના પ્રવક્તાએ કહ્યું કે દાણચોરો નવી-નવી રીતે દાણચોરી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ સતર્ક BSF જવાનો તેમની કોઈ ચાલને સફળ થવા દેતા નથી. તેમણે કહ્યું કે આ સોનાના બિસ્કિટ ક્યાંથી આવ્યા હતા અને કોને આપવાના હતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.