પશ્ચિમ બંગાળઃ મુંબઈ જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી નીકળ્યો સાપ, સ્ટાફમાં ફેલાયો ભય
- વન વિભાગની ટીમે કર્યું રેસ્ક્યું
- સાપ બિનઝેરી હતોઃ વન વિભાગ
- એક કર્મચારીએ સાપને જોયો હતો
દિલ્હીઃ પશ્ચિમ બંગાળના કોલકતા એરપોર્ટ ઉપર મુંબઈ જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી સાપ મળી આવતા ફ્લાઈટના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ આ અંગે મુસાફરોને જાણ થતા તેમનામાં પણ ભય ફેલાઈ ગયો હતો. જો કે, આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા વનવિભાગના અધિકારીઓએ સાપને પકડીને જંગલ વિસ્તારમાં સહીસલામત છોડી દેવાની કવાયત આરંભી હતી. આ કાપ બિનઝેરી હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કોલકતા એરપોર્ટ ઉપર મુંબઈ જતી ફ્લાઈટને ઉભી રાખવામાં આવી હતી. તેમજ મુસાફરો અંદર બેસ્યા ન હતા. આ દરમિયાન એક કર્મચારીએ કાર્ગો હોલ્ડમાં સાપ જોતા ચોંકી ઉઠ્યો હતો. તેમજ તેણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી. બીજી તરફ એરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફે તરત જ આ વિસ્તારમાંથી મુસાફરોને હટાવીને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી. જેથી વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
સાપ નીકળ્યો હોવાની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિસ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ તેને જંગલમાં સહસલામત છોડી દેવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. વન અધિકારીએ જણાવ્યું હતું કે, આ સાપ બિન ઝેરી પ્રજાતિનો હતો અને હાલ તેનું રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો છે. જો કે, ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાં સાપ નીકળતા લોકોમાં ભય ફેલાયો હતો.