પશ્ચિમ બંગાળમાં ટ્રેન દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધી 15 ઉપર પહોંચ્યો, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં રેલ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક વધીને 15 ઉપર પહોંચ્યો છે. જ્યારે આ દૂર્ઘટનામાં 60 જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળે છે. દરમિયાન સમગ્ર ઘટના આઅંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને શોક જાહેર કર્યો હતો. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. ટ્રેન દૂર્ઘટનાને પગલે રેલ વ્યવહારને પણ અસર થઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં થયેલા દુ:ખદ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, પશ્ચિમ બંગાળમાં રેલ્વે અકસ્માત દુઃખદ છે. તેમણે તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને પ્રાર્થના કરી કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય. પ્રધાનમંત્રીએ અધિકારીઓ સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દુર્ઘટના સ્થળ પર હાજર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની રકમ જાહેર કરી હતી. પશ્ચિમ બંગાળમાં રેલવે દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને આ રકમ આપવામાં આવશે. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. આ દૂર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને રૂ. 10-10 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. અઢી-અઢી લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
NF રેલવે ઈમરજન્સી નંબરો:
– અલુઆબારી રોડ ઇમરજન્સી નંબર: 8170034235
– કિશનગંજ ઇમરજન્સી નંબર: 7542028020 અને 06456-226795
– દાલખોલા ઇમરજન્સી નંબર: 8170034228
– બારસોઇ ઇમરજન્સી નંબર: 7541806358
– સામસી ઇમરજન્સી નંબર: 03513-265690 / 03513-265692