પશ્ચિમ બંગાળઃ અલ કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓ ઝબ્બે
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ એસટીએફએ ઉત્તર 24 પરગણા જિલ્લાના સાસનના ખરીબારી વિસ્તારમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદાના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ભારત સામે યુદ્ધ છેડવાનો સંકેત આપતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બંને કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાના હતા. તેની યોજનાની જાણ થતાની જ સાથે જ STFએ તેમને પકડી લીધા હતા. STFએ આ કાર્યવાહી સાસણ પોલીસ સ્ટેશન હેઠળના ખરીબારી વિસ્તારમાં કરી હતી. રાત્રે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
STF અનુસાર, તેઓ ભારતીય ઉપખંડમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન (AQIS)ના સક્રિય સભ્યો હોઈ શકે છે. એસટીએફના સૂત્રોએ જણાવ્યું કે અટકાયત કરાયેલા લોકોની ઓળખ અબ્દુર રકીબ સરકાર અને હુગલી જિલ્લાના આરામબાગના રહેવાસી કાઝી અહસાનુલ્લા તરીકે થઈ છે.
પશ્ચિમ બંગાળ પોલીસના STFએ તેમના કબજામાંથી ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો સંકેત આપતા કટ્ટરપંથી સાહિત્ય જપ્ત કરવાનો દાવો કર્યો છે. અટકાયત કરાયેલા બંને આરોપીઓ સામે UAPA અને IPCની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની પૂછપરછના આધારે એફઆઈઆરમાં અન્ય 17 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધુ કેટલીક ધરપકડો થઈ શકે છે.
સુરક્ષા એજન્સીઓ એક સાઇટ અને તેની સાથે જોડાયેલા લોકો પર કાર્યવાહી કરી રહી છે, બંગાળમાં 12 થી વધુ સક્રિય છે અને તેમની સામગ્રી પણ બંગાળી ભાષામાં છે. આ સામગ્રીમાં અલ કાયદાના નેતાઓ દ્વારા અરબી ભાષામાં આપવામાં આવેલા ભાષણોનો ઉર્દૂ અને બંગાળીમાં અનુવાદ કરવામાં આવે છે.