T20 વિશ્વકપને લઈને વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની પાકિસ્તાનથી મળી ધમકી
નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની ધરતી ઉપર ટી20 વર્લ્ડકપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ક્રિકેટ વેસ્ટઈન્ડિઝને જૂન મહિનામાં ટી20 વિશ્વકપ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી મળી છે. ઉત્તર પાકિસ્તાનમાં હાજર આઈએસની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાંચ એટલે કે આઈએસ-ખોરાસાન તરફથી આ ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તરફથી કેરિબયન દેશોને નિશાન બનાવવાની ધમકી આપી છે.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ હાલ વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વર્લ્ડ કપની સુરક્ષાને વધારે સતર્ક બની છે. તેમજ ટી20 વિશ્વકપ માટે ચુસ્ત સુરક્ષાનો ભરાસો આપ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવ્સએ જણાવ્યું હતું કે, અમે તમામ હિતધારકોને આશ્વસ્ત કરવા માંગીએ છીએ આઈસીસી ટી20 વિશ્વ કપમાં સુરક્ષા અમારી પ્રથમ નંબરની પ્રાથમિકતા છે અને અમારી પાસે પુરતા પ્રમાણમાં મજબુત સુરક્ષા યોજના છે.
માહિતી અનુસાર, પ્રો-ઈસ્લામિક સ્ટેટ (Daesh) તરફથી T20 વર્લ્ડ કપ પર સંભવિત ખતરા અંગેની ગુપ્ત માહિતી મીડિયા ગ્રુપ ‘નાશિર પાકિસ્તાન‘ દ્વારા પ્રાપ્ત થઈ છે. ડેઈલી એક્સપ્રેસ અનુસાર, નશીર-એ પાકિસ્તાન ઈસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલી એક પ્રચાર ચેનલ છે. વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024ની મેચો એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગોમાં યોજાશે. અમેરિકાના ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં પણ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ અમેરિકામાં ગેમ્સ પર કોઈ ખતરો નથી. બે સેમી ફાઈનલ ત્રિનિદાદ અને ગયાનામાં રમાશે અને ફાઈનલ બાર્બાડોસમાં રમાશે.આઈસીસીએ કહ્યું કે તેમનું નિવેદન CWI જેવું જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર શરૂ થશે. ICCની આ મેગા ઈવેન્ટ 1 જૂનથી 29 જૂન સુધી રમાશે. આ T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. ટીમ ઈન્ડિયા 5 જૂનથી આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતનો મુકાબલો 9 જૂન, 2024ના રોજ ન્યૂયોર્કમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે.