Site icon Revoi.in

વડોદરામાં ‘ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન ટાઇમ’ પર વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન

Social Share

અમદાવાદઃ વડોદરામાં 14 ડિસેમ્બર, 2023ના રોજ થી સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ (ડીજીક્યુએ) દ્વારા ‘ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન ટાઇમ’ થીમ પર વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભારત સરકારનાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં ‘વેપાર-વાણિજ્યમાં સરળતા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’નાં વિઝનને ધ્યાનમાં રાખીને વિવિધ હિતધારકોને સંરક્ષણ ઉત્પાદન અને ગુણવત્તા સુનિશ્ચિત પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા સંરક્ષણ મંત્રાલયની શ્રેણીબદ્ધ નવી પહેલોની જાણકારી આપવામાં આવી. અધિક સચિવ (સંરક્ષણ ઉત્પાદન) શ્રી ટી નટરાજને સંરક્ષણ ઉદ્યોગની બેઠકને સંબોધન કર્યું હતું, જેની અધ્યક્ષતા ડિરેક્ટર જનરલ, ડીજીક્યુએ લેફ્ટનન્ટ જનરલ આર.એસ.રીન દ્વારા કરવામાં આવી હતી.

શ્રી ટી નટરાજને તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘ગ્રીન ચેનલ’ અને ‘સેલ્ફ સર્ટિફિકેશન’ જેવી યોજનાઓએ સંરક્ષણ ઉત્પાદકોને વધારે સ્વાયત્તતા આપી છે. “આ ઉપરાંત, ‘રિમોટ ક્યુએ નિરીક્ષણ’, સંરક્ષણ નિકાસ પ્રોત્સાહન યોજના અને સંરક્ષણ પરીક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના, સ્વદેશી ઉત્પાદનને ઉત્પ્રેરિત કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજનાઓથી ભારતીય સંરક્ષણ ઉત્પાદકો દ્વારા મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ઉપકરણોની ઝડપથી ડિલિવરી થઈ શકશે.” આ પ્રસંગે ગ્રીન ચેનલનું પ્રમાણપત્ર એલ એન્ડ ટી, મુંબઈને એનાયત કરવામાં આવ્યું હતું. ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, અને વડોદરા ખાતે નૌકાદળના ક્યુએ સંગઠન અને ભારતીય સૈન્યના વરિષ્ઠ અધિકારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન ક્યુએ પર તકનીકી કાગળોનો સંગ્રહ પણ બહાર પાડવામાં આવ્યો હતો.