- ઉનાળામાં મુસાફરોને નહીં પડે મુશ્કેલી
- પશ્ચિમ રેલવેએ શરૂ કરી કેટલીક સુવિધાઓ
- મુસાફરોની માંગની ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
દિલ્લી: કોરોના વાયરસના સમયમાં રેલવે વિભાગ દ્વારા ખુબ મહત્વની કામગીરી કરવામાં આવી છે. હાલ પણ સતત રેલવેમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર સંખ્યા જોવા મળતા પશ્ચિમ રેલવે દ્વારા મહત્વની કેટલીક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, જે યાત્રીઓને યાત્રા દરમિયાન થતી મુશ્કેલીઓને ઓછી કરશે.
ઉનાળા દરમિયાન વધારે ભીડને લીધે મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સમર વિશેષ ટ્રેનોનું સંચાલન,હાલની ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવા, ફેસ્ટિવલ વિશેષ ટ્રેનોનો વિસ્તરણ વગેરે સહિત ઉત્તર અને પૂર્વ ભારતમાં જતી ટ્રેનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં વિવિધ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેશનો અને ટ્રેનોમાં કોવિડ-19 વ્યવહાર સંબંધિત સૂચિત પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા માટેના વિવિધ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાવામાં આવ્યું છે કે, હાલમાં કુલ 266 નિયમિત વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મુસાફરોની વધતી માંગ અને સુવિધા માટે 38 સમર સ્પેશિયલ ટ્રેનોની કુલ 196 ટ્રીપની જાહેરાત કરવામાં આવી છે.
ઠાકુરે જણાવ્યું હતું કે મુસાફરીની પ્રાથમિકતાના ધોરણે માંગને પહોંચી વળવા માટે એપ્રિલ 2021 ના મહિનામાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વીય ભારતના વિસ્તારો માટે 10 એપ્રિલ, 2021 થી 17 ખાસ સમર વિશેષ ટ્રેનોની 61 ટ્રીપની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા મહિનામાં એટલે કે માર્ચ 2021 માં પશ્ચિમ રેલવેએ વધારે ભીડ ઓછી કરી છે આ કરવા માટે હાલની ટ્રેનોમાં અસ્થાયી રૂપે 575 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. નિયમિત અને વિશેષ ટ્રેનોની પ્રતીક્ષા યાદીનું મોનિટરિંગ રીઅલ ટાઇમ ધોરણે કરવામાં આવી રહ્યું છે તથા તદનુસાર વેઇટિંગ લિસ્ટ કલિયર કરવા માટે વધારાની નવી વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના તૈયાર કરવામાં આવશે. 1 એપ્રિલથી 15 એપ્રિલ, 2021 દરમિયાન વિવિધ સ્થળો માટે 234 ટ્રેનો દોડાવવામાં આવી હતી. જેમાંથી 68 ટ્રેનના કુલ 246 રાઉન્ડ ઉત્તર / પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, ઉત્તરાખંડ અને આસામ તરફ ફેરવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, 16 એપ્રિલ 2021 ના રોજ પશ્ચિમ રેલવે દ્વારા કુલ 119 ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાંથી 39 ટ્રેનો ઉત્તર અને પૂર્વી રાજ્યો તરફ દોડાવવામાં આવી હતી.
સ્ટેશનો તેમજ ટ્રેનોમાં સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા છે. મુસાફરોને મદદ અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે પશ્ચિમ રેલ્વેના મોટા સ્ટેશનો પર પૂરતા પ્રમાણમાં આરપીએફ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. મુસાફરોની ભીડ વ્યવસ્થિત કરવા અને ભીડના સુવ્યવસ્થિત સંચાલન માટે આરપીએફ / જીઆરપીના જવાનોની ગોઠવણ કરવામાં આવી છે. ટ્રેનમાં સવાર મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ પશ્ચિમ રેલવેના 28 સ્ટેશનો પર એન્ટ્રી પોઇન્ટ પર મુકાયેલા આરપીએફ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. તેઓ એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છે કે મુસાફરો કોવિડ -19 સંબંધિત ધોરણો, પ્રોટોકોલ અને એસઓપીનું પાલન કરે છે અને તેમના મુસાફરોને મુસાફરી દરમિયાન તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
દેવાંશી