- લાંબા રૂટ્સની ટ્રેનોમાં ખૂદાબક્ષો બિન્દાસ્તથી મુસાફરી કરતા હોય છે,
- દિવાળીના પર્વમાં ટીસીટીને 200 કરોડનો દંડ વસુલવાનો અપાયો ટાર્ગેટ,
- તાપી-ગંગા એક્સપ્રેસ, સહિત ટ્રેનોમાં ખાસ ટિકિટ ચેકિંગ કરાશે
અમદાવાદઃ દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. પ્રવાસી ભીડને લાભ લઈને કેટલાક લોકો વગર ટિકિટે મુસાફરી કરતા હોય છે. ત્યારે પશ્વિમ રેલવે દ્વારા ટિકિટ ચેકિંગ માટેની ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. ટ્રેનોમાં ટિકિટ વિનાના મુસાફરો પાસેથી 200 કરોડ રૂપિયા દંડ વસૂલવા માટેનો ટાર્ગેટ ટીસીટીને અપાયો છે. સમગ્ર પ.રેલવે ઝોનમાં મુંબઇ સેન્ટ્રલ ડિવિઝન, જેના માથે આ ટાર્ગેટના અડધા ભાગની જવાબદારી છે. જે રકમ 101.81 કરોડ રૂપિયા થાય છે. જેમ જેમ તહેવારની સિઝન નજીક આવી રહી છે અને મુસાફરોની સંખ્યા વધવાની આશા છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના ટ્રાફિક ધસારાને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ ટિકિટ વિના પ્રવાસ કરનારા ખૂદાબક્ષોને પકડવા રેલવે દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરાશે. જેમાં તાપ્તી ગંગા એક્સપ્રેસ પર ચેકિંગ સ્ટાફની ખાસ નજર રહેશે. જ્યારે ઉધના-દાનાપુર અને સુરત-ભાગલપુર જેવી ટ્રેનોમાં ઘણા ખુદાબક્ષ હોય છે. આ ઉપરાંત ટ્રેનોમાં ચેકિંગ માટે તમામ ડિવિઝનોને સુચના આપવામાં આવી છે. ડિવિઝનના એક ટીસીએ જણાવ્યું હતું કે હાલમાં લાંબા અંતરની ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટોને પરવાનગી નથી. કેટલાયે મુસાફરો જનરલ ટિકિટની સાથે રિઝર્વ કોચમાં મુસાફરી કરતા હતા અને તેમને દંડ પણ કરાતો હતો. પરંતુ હવે એવું નથી થઇ રહ્યું. રેલવે આ પરિવર્તન પુષ્ટિ કરાયેલા ટિકિટધારકોની સુવિધા માટે કર્યું છે.