નવી દિલ્હીઃ ભારતીય રેલવે આ વર્ષે 1 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમ્યાન મુસાફરોની સુવિધા માટે 6 હજાર 556 સ્પેશયલ ટ્રેનો ચલાવશે.આમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે ભારતના તમામ રેલવે ડિવઝનમાં સૌથી વધુ છે.દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉત્તર પ્રદેશ અને બિહારથી અવરજવર કરતા હોય છે.આ ગાળામાં મુસાફરોના ભારે ધસારાને કારણે મોટા ભાગની ટ્રેનોની ટિકિટો બે-ત્રણ મહિના અગાઉથી વેઇટિંગ લિસ્ટમાં આવી જાય છે.
ગયા વર્ષે, ભારતીય રેલ્વેએ કુલ 4 હજાર 429 ફેસ્ટિવલ સ્પેશયલ ટ્રેનો દોડાવી હતી.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે એક યાદીમાં જણાવ્યું છે કે, આ વિશેષ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વના સ્ટેશનો માટે ચલાવવામાં આવી રહી છે. મુસાફરોની વિશાળ માંગને પહોંચી વળવા માટે, સુરત/ઉધના, વાપી, વલસાડથી 14 જોડી સ્પેશયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 21 જોડી ટ્રેનો સુરત/ઉધના અથવા ભેસ્તાનમાંથી પસાર થઈ રહી છે. તેવી જ રીતે વાપી, વલસાડ, વડોદરા,અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ, ભાવનગર ટર્મિનસથી પણ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.