- ખાસ ટ્રેનો 21મી ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી દોડાવાશે,
- દિવાળીના તહેવારોને લીધે વેઈટિંગમાં થયો વધારો,
- 16 સાપ્તાહિક ખાસ ટ્રેનોની 57 ટ્રીપો માટે બુકિંગનો પ્રારંભ
અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પરપ્રાંતના લોકોનો મોટી સંખ્યામાં વસવાટ છે. અને પ્રરપ્રાંતના લોકો દિવાળીના તહેવારો તેમજ છઠની પૂજા માટે પોતાના માદરે વતન જતાં હોય છે. ઉપરાંત દિવાળીના વેકેશનને લીધે લોકો ફરવા માટે પણ બહારગામ જતાં હોય છે. તેના લીધે પ્રવાસી ટ્રાફિક ખૂબ વધી જતો હોય છે. તેને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાંથી ખાસ ટ્રેનો દોડાવશે
દિવાળી અને છઠ પૂજા દરમિયાન અમદાવાદથી દિલ્હી સહિત ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ 300ને પાર પહોંચી ગયું છે. છતાં હજુ પણ પ્રવાસીઓ ટિકિટ બુક કરીવી રહ્યા છે. પ્રવાસીઓ સરળતાથી પ્રવાસ કરી શકે તે માટે અમદાવાદથી વધુ 16 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેનોમાં પેસેન્જરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. જેમાં અમદાવાદથી 21 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી 16 સાપ્તાહિક વિશેષ ટ્રેનોની 57 ટ્રીપ દોડાવવામાં આવશે. આ ટ્રેનો અમદાવાદથી પટના, દરભંગા, દાનાપુર, બરૌની, કાનપુર સેન્ટ્રલ, આગ્રા કેન્ટ અને તિરુચિરાપલ્લી માટે તેમજ ગાંધીધામથી ભાગલપુર અને બાંદ્રા ટર્મિનસ માટે, સાબરમતીથી પટના, સીતામઢી અને હરિદ્વાર માટે ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન અને સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક ટ્રેનોનો ફેસ્ટિવલ સ્પેશિયલનો સમાવેશ છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ભારત તરફ દોડનારી વિશેષ ટ્રેન સાપ્તાહિ ટ્રેનમાં- ટ્રેન નં 09447 અમદાવાદ – પટના, 09465 અમદાવાદ – દરભંગા, 09417 અમદાવાદ – દાનાપુર, 09493 અમદાવાદ – પટના, 09457 અમદાવાદ-દાનાપુર, 09413 અમદાવાદ – બરૌની, 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ, 04166 અમદાવાદ – આગરા કેન્ટ, – 04168 અમદાવાદ – આગરા કેન્ટ, 01920 અમદાવાદ – આગરા કેન્ટ, 09419 અમદાવાદ – તીરૂચિરાપલ્લી, 09451 ગાંધીધામ ભાગલપુર, 09416 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનલ, 09405 સાબરમતી – પટના, 09421 સાબરમતી – સીતામઢી, 09425 સાબરમતી – હરિદ્વાર સ્પેશિયલનો સમાવેશ થાય છે.