- સૌરાષ્ટ્ર યુનિને 17 વર્ષ બાદ યજમાન બનવાનો મોકો મળ્યો,
- હેન્ડબોલની ટુર્નામેન્ટ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે,
- 70 યુનિવર્સિટીઓના ખેલાડીઓ રાજકોટ આવશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વેસ્ટઝાન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 17 વર્ષ બાદ ઇન્ટર યુનિવર્સિટીની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટના યજમાન બનવાનો મોકો મળ્યો છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં યુનિવર્સિટીના મેદાનમાં વેસ્ટ ઝોનની ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ભાઈઓની ટુર્નામેન્ટ યોજાશે. જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતની 70 યુનિવર્સિટીના 700 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.
ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇન્ટર યુનિવર્સિટીની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટના યજમાન બનવાનો મોકો આપ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક હરીશ રાબા પોતે હેન્ડ બોલના નેશનલ પ્લેયર છે અને ગુજરાત રાજ્ય રમતવીર એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. ત્યારે તેમના અનુભવના લાભ થકી હોમ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી મેડલ મેળવવા માટે ઉત્સાહિત છે. વર્ષ 2007માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વેસ્ટ ઝોનમાં ક્રિકેટ ગેમની યજમાની કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 17 વર્ષ પછી હેન્ડબોલની વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાનું આયોજન કરવાનો મોકો મળ્યો છે. યુનિવર્સિટી પાસે હેન્ડબોલના ખૂબ જ સારા ખેલાડીઓ છે. પરંતુ આ વખતે જ્યારે ઇન્ટર યુનિવર્સિટીની હેન્ડબોલની ટુર્નામેન્ટ ઘર આંગણે એટલે કે, યુનિવર્સિટીના મેદાનમાં જ યોજાઈ રહી છે ત્યારે તેનો સ્થાનિક કક્ષાના ખેલાડીઓને ખૂબ જ મોટો ફાયદો થશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેલાડીઓને ડેવલપ કરવા માટે હેન્ડબોલની આ ટુર્નામેન્ટ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. લોકલ માહોલ હોવાથી ખેલાડીઓ તેમાં સારુ પરફોર્મન્સ આપી શકશે અને રિઝલ્ટ પણ સારૂ મળશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આંતર કોલેજ હેન્ડબોલની સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ છે. જેમાંથી 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તે ખેલાડીઓ માટે અંદાજે એક માસનો હેન્ડ બોલનો કેમ્પ યોજવામાં આવશે. જેઓને એક્સપર્ટ કોચ દ્વારા તાલીમ આપવામાં આવશે અને તેનાથી બેસ્ટ 16 સિલેક્ટ કરવામાં આવશે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સારી ટીમ બની શકે. વેસ્ટ ઝોન હેન્ડબોલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોની 70 જેટલી ટીમ ભાગ લેવાની છે. એટલે કે, 700 જેટલા ખેલાડીઓ ભાગ લેવા માટે રાજકોટ આવશે.