- ગરમીમાં ઓઈલી સ્કિનથી ખીલ થવાની સંભાવના
- ઉનાળામાં ઓઈલી સ્કિનથી બચવુ જરૂરી
- આ ઉપાયથી મટાડી શકો છો ખીલની સમસ્યા
ઉનાળામાં કેટલાક લોકોને ખીલની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, તેની પાછળનું કારણ છે તેમની ઓઈલી સ્કિન. ઉનાળામાં ઓઈલી સ્કિનના કારણે ખીલ થવાની સંભાવના વધી જતી હોય છે અને કેટલાક લોકોને તો સાચેમાં ખીલની સમસ્યા થઈ જતી હોય છે.
તો હવે આ સમસ્યાનું નિરાકરણ તમે જાતે જ લાવી શકો છો. ચહેરો ધોયા પછી ત્વચાના પ્રકારને અનુરૂપ મોઇશ્વરાઇઝર કે ટોનર લગાવવાનું અવશ્ય યાદ રાખો. એવું નથી કે ખીલ માત્ર યુવાનીમાં જ થાય. ગમે તે ઉંમરે ખીલની સમસ્યા પરેશાન કરી શકે છે. જો તમારી ત્વચા તૈલીય હશે તો ખીલ થવાની સમસ્યા વધારે પરેશાન કરશે. ખાસ કરીને ઉનાળામાં ખીલની સમસ્યા વધારે વકરે છે,પણ જો એને દૂર કરવા માટે પ્રયત્ન કરશો,તો ખીલ વધારે થશે.
ચહેરાને સાફ રાખવા માટે ચણાના લોટમાં કાકડીનો રસ ભેળવીને પેસ્ટ બનાવી તેનાથી ચહેરો ધૂઓ. તમે ઇચ્છો તો આનો ઉપયોગ તમે ફેસપેક તરીકે પણ કરી શકો છો. ગુલાબજળમાં કપૂર ભેળવીને તેને એક બોટલમાં ભરી તેને ફ્રીજમાં મૂકી રાખો. જ્યારે વધારે પડતા ખીલ થયા હોય ત્યારે રૂના પૂમડાને આ મિશ્રણવાળું કરી તેને આખા ચહેરા પર લગાવો અને સૂકાવા દો. આનાથી ધીરે ધીરે ખીલ ઓછા થઇ જશે.
અહીંયા જેટલા ઉપાયો બતાવવામાં આવ્યા છે તે બધા આયુર્વેદિક છે અને તે ચહેરાની ત્વચા માટે ખુબ ઉપયોગી અને ફાયદા કારક પણ છે.
મુલતાની માટીમાં જરૂર પૂરતું પાણી ઉમેરી પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો. આ ઉપરાંત, મુલતાની માટીમાં દહીં ભેળવીને ફેસપેક તરીકે લગાવવાથી ચહેરા પરની ચીકાશ ઓછી થશે.
ખીલની સમસ્યા અટકાવવા માટે લીમડાના પાંદડાનો ઉપયોગ પણ કરી શકાય છે. જો ખૂબ જ ખીલ થયાં હોય તો હળદરમાં લીમડાના પાન વાટીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને આખા ચહેરા પર લગાવી સૂકાઇ જાય એટલે ધોઇ લો. આનાથી ખીલ ધીરે ધીરે કરમાઇ જશે કારણ કે હળદર અને લીમડો એન્ટિસેપ્ટિકનું કામ કરે છે. આ બંનેના લીધે ખીલ ઓછા થાય છે.
દેવાંશી