ગાંધીનગરઃ રાજ્યમાં ભાજપ સરકાર અને ભાજપના સંગઠન વચ્ચે કોઈ તાલમેલ ન હોય આ મુદ્દે સંગઠમાં જ ફરિયાદો ઊઠી હતી. પ્રદેશના પ્રભારીએ પણ આ મુદ્દે નોંધ લીધી હતી. અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ બાબતે સુચના આપી હતી. આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પક્ષના પ્રમુખ પાટીલ મળવા માટે ગયા હતા. બે કલાક સુધી બંધ બારણે થયેલી બેઠકમાં રૂપાણીએ જ પાટીલને સામે ચાલીને આંતરિક બાબતોની ચર્ચા માટે બોલાવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પહોંચ્યા હતા અને તેમણે આ મંત્રણા શરૂ કરી હતી. ભાજપના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને છેલ્લે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત વખતે આ બન્ને નેતાઓને તેમાંય ખાસ કરીને પાટીલને કડક સૂચના અપાઇ હતી કે સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરે અને વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇને તમામ ગતિવિધીઓ સંભાળે. તે પછી આ ઘટના બની હોવાનું કહેવાય છે.
હજુ પણ રૂપાણી અને પાટીલ એકબીજાના હરિફ તરીકે વર્તતા હોવાનો ખ્યાલ પ્રવર્તે છે તે દરમિયાન આ બન્ને નેતાઓ વચ્ચે થયેલી બેઠકને કારણે કદાચ તેઓ સાથે છે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. આ બેઠકમાં તેમણે કયા મુદ્દા પર ચર્ચા કરી હશે તે કળવું મુશ્કેલ છે, પરંતુ આવનારાં દિવસોમાં પાર્ટીના કાર્યક્રમોમાં સરકારના કામોનું પ્રતિબિંબ પડે તે માટે તેમની વચ્ચે ગોષ્ઠી થઇ હોઇ શકે. ગયાં સપ્તાહે સરકારના તમામ મંત્રીઓએ વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરી પોતાના વિભાગના કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી તેને લઇને પણ રૂપાણી અને પાટીલ વચ્ચે વાતચીત થઇ હોય તે સંભવ છે.
આ બેઠકમાં તેઓએ આગામી સમયમાં રાજ્યમાં થનારી આઇપીએસ અધિકારીઓની બદલી અંગે પણ વાતચીત કરી હોવાનું જાણમાં આવ્યું છે. આ બેઠક બાદ પાટીલ સીધાં જ પક્ષના મુખ્ય કાર્યાલય કમલમ પર આવ્યા હતા.