NDAની બેઠકમાં નીતિશ કુમાર એવું શું બોલ્યા કે નક્કી થઇ ગયું કે તેઓ ભાજપની સાથે જ રહેવાના છે
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએના સાથી પક્ષો 7 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાના છે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જો આમ થશે તો જવાહરલાલ નેહરુ પછી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનનાર પ્રથમ નેતા હશે.
TDP અને JDUએ ગૃહ, સંરક્ષણ, નાણાં, રેલવે જેવા મોટા મંત્રાલયોની માંગણી કરી છેઃ સુત્ર
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી સરકારની રચનાની પ્રક્રિયા પર ઝડપથી કામ કરે. બુધવારે યોજાયેલી એનડીએની બેઠકમાં સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનડીએ સાથી પક્ષોને કયા મંત્રાલયો સોંપવામાં આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ છે કે TDP અને JDUએ ગૃહ, સંરક્ષણ, નાણાં, રેલવે જેવા મોટા મંત્રાલયોની માંગણી કરી છે.
‘સરકાર બનાવવામાં વિલંબ ન થવો જોઈએ’ – નીતિશ કુમાર
એનડીએની બેઠક દરમિયાન નીતીશ કુમારે કાર્યકારી પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું, “ઉતાવળ કરો. સરકાર બનાવવામાં કોઈ વિલંબ ન થવો જોઈએ. આપણે બને તેટલું જલ્દી કરવું જોઈએ.” તેમના નિવેદનથી ભાજપ ખુશ થશે, કારણ કે આ તેમના NDAમાંથી બહાર ન જવાનો મોટો પુરાવો છે. બેઠકમાં એનડીએ સહયોગીઓએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા હતા. NDAના 21 સભ્યોએ સહી કરેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, અમે સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે ચૂંટ્યા છે.
આ બેઠકમાં નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જેડીયુના નેતાઓ લલ્લન સિંહ અને સંજય ઝાએ હાજરી આપી હતી. એનડીએની બેઠકમાં બધાની નજર જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ પર હતી, જેઓ આ વખતે સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
JDU અને TDP પાસે કેટલી સીટો છે?
ટીડીપીએ આંધ્ર પ્રદેશમાં 25માંથી 16 લોકસભા બેઠકો જીતી છે, જ્યારે જેડીયુએ બિહારમાં 40માંથી 12 બેઠકો જીતી છે.. આ વખતે ભાજપ માત્ર 240 લોકસભા બેઠકો જીતી શક્યું છે.જે બહુમતીથી 32 બેઠકો ઓછી છે. સાથી પક્ષોની મદદથી એનડીએએ 293 બેઠકો મેળવી છે અને બહુમતીનો આંકડો પાર કર્યો છે.