આટલા બધા મચ્છરોનું થાય છે શું? ચીનની આ ફેક્ટરી કે જ્યાં દર અઠવાડિયે 2 કરોડ મચ્છર પેદા થાય છે, વાંચો શું છે હકીકત
મચ્છરના કારણે વિશ્વમાં અનેક પ્રકારની બીમારી ફેલાતી હોય છે. ચીકનગુનિયા, ડેન્ગ્યુ જેવી બીમારી મચ્છરોના કારણે થાય છે ત્યારે ચીનથી એવી જાણકારી મળી છે ત્યાં એક ફેક્ટરી દર અઠવાડિયે 2 કરોડ મચ્છરને પેદા કરે છે. આપણા દેશમાં વૈજ્ઞાનિકો અને સંશોધકો મચ્છરોને ખતમ કરવા અને તેનાથી થતી બીમારીઓથી બચવા અનેક રીતો શોધવામાં લાગ્યા છે ત્યારે ચીનમાં એ ફેક્ટરીએ મચ્છરોનું ઉત્પાન શરૂ કર્યુ છે.
જાણવા જેવી વાત તો એ છે કે ચીનની આ કંપની સારા મચ્છરોનું ઉત્પાદન કરી રહી છે, હવે દરેકના મનમાં વિચાર આવતો હશે કે આ સારા મચ્છર એટલે શું? મચ્છર એ તો મચ્છર જ હોય. આ બાબતે ચીની ફેક્ટરી દ્વારા એવું કહેવામાં આવે છે કે સારા મચ્છર એ બીમારી ફેલાવતા મચ્છરોના ગ્રોથને પોતાની રીતે રોકી દે છે.
ચીનના દક્ષિણ વિસ્તારના ગુઆંગઝોઉમાં એક ફેક્ટરી છે. જે આ સારા મચ્છરોનું ઉત્પાદન કરે છે. દર સપ્તાહે લગભગ 2 કરોડ મચ્છરોનું ઉત્પાદન થાય છે. આ મચ્છર હકીકતમાં વોલબેચિયા બેક્ટેરિયાથી સંક્રમિત હોય છે, તેનો પણ ફાયદો છે.
આ મચ્છરોનું ઉત્પાદન એ રીતે થાય છે કે વોલબેચિયા બેક્ટેરિયાથી સંક્રમિત મચ્છરો તૈયાર કરવામાં આવે તો તે બીમારી ફેલાવવા માટે મોટા પ્રમાણમાં મચ્છર પેદા કરતી માદા મચ્છરોને વંધ્ય બનાવી શકે છે. બસ આ જ આધારે આવા મચ્છરોનું ઉત્પાદન શરૂ થયું. આ સારા મચ્છરોને વોલબેચિયા મોસ્કિટો પણ કહેવામાં આવે છે.
વિશ્વની સૌથી મોટી ફેક્ટરી – મચ્છરો પેદા કરતી ચીનની આ ફેક્ટરી વિશ્વમાં આ પ્રકારની સૌથી મોટી ફેક્ટરી છે. જે 3500 વર્ગ મીટરમાં ફેલાયેલી છે. તેમાં 4 મોટા વર્કશોપ છે. દરેક વર્કશોપ દર સપ્તાહે લગભગ 50 લાખ મચ્છરોનું ઉત્પાદન કરે છે.
કંપનીનું માનવું છે કે ચીનમાં કેટલાક વિસ્તારોમાં ડેનગ્યુ ફેલાય છે અને તેના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે પણ આ પ્રકારના મચ્છરોને ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે જેના કારણે બીમારી ફેલાવતા મચ્છરોની સંખ્યા ઓછી થઈ જાય છે. ચીનના આ આઇડિયાએ પહેલા જ ટ્રાયલમાં સફળતા મેળવી છે. જે વિસ્તારમાં આ મચ્છરોને છોડવામાં આવ્યા ત્યાં થોડા જ સમયમાં 96 ટકા મચ્છર ઓછા થઇ ગયા. જે બાદ ચીને તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં શરૂ કરી દીધો છે.
લેબમાં આ મચ્છરોના જીનમાં બદલાવ કરી દેવામાં આવે છે. ચીનનો આ પ્રોજેક્ટ એટલો સફળ રહ્યો કે બ્રાઝીલમાં પણ ચીન આવી જ એક ફેક્ટરી ખોલવા જઇ રહ્યું છે.