Site icon Revoi.in

ભગવદ ગીતાનો સાર શું છે? તમે જાણો છો?

Social Share

ભગવાનને તે વખતે આવું બોલવાનું નિમિત્ત હતું. અર્જુનને મોહ ઉત્પન્ન થયો હતો, ક્ષત્રિય ધર્મ હોવા છતાં તે મૂર્છિત થયેલો. તેથી મૂર્છા કાઢવા કૃષ્ણ ભગવાને અર્જુનને ચેતવ્યો ને કહ્યું, ‘તારી મૂર્છા ઉતાર, તું તારા ધર્મમાં આવ. કર્મનો કર્તા કે ના કર્તા તું થઇશ નહીં.’ કૃષ્ણ ‘વ્યવસ્થિત’ જાણતા હતા અને ‘વ્યવસ્થિતના’ નિયમમાં હતું એટલું જ કૃષ્ણ બોલ્યા છે, પણ લોકોને સમજમાં આવતું નથી અને કહે છે કે, કેમ ભગવાન જ્ઞાની થઇને આવું બોલ્યા કે, ‘આ બધાંને મારી નાખ?’ કૃષ્ણનો આ તો ઓન ધી મોમેન્ટનો ઉપદેશ હતો, કંઇ હંમેશને માટે આ ઉપદેશ ના કરાય કે, મારજો જ. અર્જુનને બીજાં બધાં સગાંને જોઇને મોહ ઉત્પન્ન થયેલો. ભગવાન જાણતા હતા કે થોડી વાર પછી મોહ ઊતરવાનો છે, એટલે નૈમિત્તિક રીતે કૃષ્ણ ભગવાને વાત કહેલી. તેમણે અર્જુનને કહ્યું, ‘તું ક્ષત્રિય છે ને તારાં પરમાણુ લઢયા વગર રહેવાનાં જ નથી, એ અમને જ્ઞાનમાં દેખાય છે કે તારું ‘વ્યવસ્થિત’ આવું છે. માટે તું ખોટો મોહ ના કરીશ, મારવા માટે મોહ વગર કાર્ય કર, ખોટો અહંકાર ના કરીશ.’

ગીતામાં તો કૃષ્ણ ભગવાન બે જ શબ્દ કહેવા માગે છે. એ બે શબ્દ લોકોને સમજાય તેમ નથી, તેથી આટલું મોટું ગીતાનું સ્વરૂપ આપ્યું અને એ સ્વરૂપને સમજવા માટે લોકોએ ફરીથી વિવેચન લખ્યાં છે. કૃષ્ણ ભગવાન જાતે કહે છે કે, ‘હું જે ગીતામાં કહેવા માગું છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે. એવા એક હજાર સ્થૂળ અર્થને સમજનારા માણસોમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે. એવા એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે. એવા એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત્ મારો આશય સમજી શકે!’ એ જ એક કૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે.

કૃષ્ણ ભગવાન કહે છે કે, ‘મહીં જે ‘માલ’ છે તે જ હું પોતે છું, એ જ કૃષ્ણ છે, એને ઓળખ એટલે ઉકેલ આવશે તારો, બાકી લાખ અવતાર તું ગીતાના શ્લોક ગાઇશ તો ય તારો ઉકેલ નહીં આવે!’ ‘ખોખું’ અને ‘માલ’ આ બે જ શબ્દોમાં કૃષ્ણ ભગવાન જે બધું કહેવા માગતા તે છે, અને આ બુદ્ધિશાળી લોકો ગીતાનાં અર્થ કરવા જાય છે, એનાં પુસ્તકો કાઢે છે! મૂળ તો આ લોકોને અર્ક કાઢતાં જ નથી આવડતું ને મોટાં મોટાં વિવેચનો, ટીકાઓ લખી અર્ક કાઢવા ગયા છે; પણ આ તો પોતાના સ્વછંદથી નામના કાઢવા જ કરે છે! બાકી બે શબ્દમાં જ કૃષ્ણ ભગવાનનો ‘અંતર-આશય’ સમાઇ જાય છે.