સનાતન ધર્મમાં એવી એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને આજ સુધી વિજ્ઞાન પણ જાણી શક્યું નથી. આજના સમયમાં પણ સનાતન ધર્મની એવી વાતો જાણવા મળે છે કે જેના પર વૈજ્ઞાનિક પણ વિચારે છે આ શક્ય કેવી રીતે બને? તો આવી જ એક વાત છે હવનની, આપણા ધર્મમાં એટલે કે સનાતન ધર્મમાં હવનનું અલગ જ મહત્વ છે અને મોટાભાગના લોકો તેને માને પણ છે.
જેમ કે પૂજા કે કોઈપણ ધાર્મિક અનુષ્ઠાનમાં હવન કરવાનું મહત્વ વર્ષોથી છે. ગ્રહદોષથી પરેશાન હોય ત્યારે ગ્રહોની શાંતિ માટે પણ હવન કરવામાં આવે છે. આ સિવાય કોઈ પણ શુભ કાર્ય, ભૂમિ પૂજન, ગૃહપ્રવેશ, મકાન નિર્માણ, કથા અને વિવાહ વગેરે સમયે હવન કરવાની પરંપરા છે. જો ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે પણ હવન કરાવવાની સલાહ આપવામાં આવે છે.
હવે મનમાં એવો વિચાર પણ આવતો હશે કે હવન એ છે શું? તો હવન એ પવિત્ર અગ્નિનું એક નાનું સ્વરૂપ છે જેમાં અમુક સામગ્રીઓને અગ્નિકુંડમાં નાખીને મંત્ર અને જાપ કરવામાં આવે છે. હવન એક વ્યક્તિ અથવા સમગ્ર પરિવાર સાથે મળીને કરી શકાય છે અને તેમાં ભગવાનનું સ્મરણ, વેદ મંત્રોનો જાપ અને દક્ષિણા ફરજીયાત છે. શાસ્ત્રોમાં હવનને એક એવું ધાર્મિક કાર્ય કહેવામાં આવ્યું છે, જેની શુભ અસર માત્ર કોઈ એક વ્યક્તિ કે પરિવાર પર જ નહીં પણ સમગ્ર સમાજ અને પ્રકૃતિ પર પણ પડે છે. હવન દરમિયાન મંત્રોના જાપ, અગ્નિ અને ધુમાડો પ્રગટાવવાથી સમગ્ર વાતાવરણ શુદ્ધ થાય છે.
ક્યારે કરવામાં આવે છે હવન
હવનના લાભ ફક્ત ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં પણ હવનના ફાયદા જણાવવામાં આવ્યા છે. હવનથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ગ્રહ દોષ દૂર થાય છે, આ સાથે જ હવનમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે. હવનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી જેમ કે કપૂર, લવિંગ, કેરીનું લાકડું, ઘી, અક્ષત, ગાયના છાણ વગેરેથી હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે.