અમદાવાદઃ શહેરના ઐતિહાસિક ગણાતા ગાંધી આશ્રમના વિકાસ માટે સરકારે કામો હાથ ધર્યા છે, ત્યારે ગાંધી આશ્રમની જગ્યાએ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો છે, જેની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ હતી. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, આશ્રમની જગ્યાએ કેન્દ્ર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા જઈ રહી છે અને જૂના ટ્રસ્ટને રદ કરી નવા ટ્રસ્ટમાં સરકાર હસ્તક્ષેપ કરવા માગે છે. ગાંધી આશ્રમની જગ્યાએ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાના નિર્ણય સામેની અરજીની સુનાવણીમાં ખંડપીઠે સવાલ કર્યો હતો કે, શું આ આશ્રમ હેરિટેજ નથી? નવા ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય સરકાર શું કામ લઈ રહી છે? ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી 25 નવેમ્બર પર મુલતવી રાખી હતી.
અમદાવાદના ઐતિહાસિક ગણાતા ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ સામે હાઈકોર્ટમાં કરાયેલી રિટમાં અરજદારો તરફથી એવી દલીલ કરાઈ હતી કે, ગાંધી આશ્રમના બંધારણમાં ગાંધીજીએ પોતે લખ્યું છે કે, આશ્રમની જગ્યા કે નિર્ણયમાં કોઈ નવા ટ્રસ્ટીઓ હસ્તક્ષેપ કરી શકે નહિ તેમ છતાં કેન્દ્ર પોતે જ જૂના ટ્રસ્ટીઓને રદ કરી નવું ટ્રસ્ટ બનાવવા માગે છે, તેનાથી ગાંધીજીના પ્રસ્થાપિત સિદ્ધાંતોનું જ હનન થઈ રહ્યુ છે. જ્યારે કોર્ટે સવાલ કર્યા હતા કે, ગાંધી આશ્રમની જગ્યા પર એમ્યુઝમેન્ટ પાર્કનો નિર્ણય કેવી રીતે સરકાર લઈ શકે? તે હેરિટેજ બિલ્ડિંગ નથી? તો સરકાર તરફે એવી દલીલ કરાઈ હતી કે, કોર્પોરેશન અને આર્કિયોલોજી વિભાગ તેની સાથે સંબંધિત છે.
અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, ઐતિહાસિક ધરોહર સમાન ગાંધી આશ્રમને એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા સાથે આશ્રમના જૂના ટ્રસ્ટને રદ કરીને સરકાર તેનું સંચાલન પોતે ટ્રસ્ટી બનીને કરવા માગે છે. આ નિર્ણય ગેરકાયદે છે. ગાંધી આશ્રમની જગ્યાએ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાને લીધે તેનું મૂળ સ્વરૂપ ખંડિત થઈ જશે. ગાંધીજીએ પોતે પણ તેના બંધારણમાં જણાવ્યું છે કે, સરકાર તેમાં હસ્તક્ષેપ કરી શકશે નહિ. આ નિર્ણયને લીધે ગાંધીજીના સાદગીના સિદ્ધાંતોનું હનન થઈ રહ્યુ છે. સરકાર તેનું સંચાલન પોતાને હસ્તગત કરી શકે નહિ. સરકાર એવો બચાવ કર્યો હતો કે આશ્રમ અંગે કોર્પોરેશન અને આર્કિયોલોજી વિભાગને પક્ષકાર બનાવવામાં આવે તો વધુ સારી માહિતી મળી શકે તેમ છે.