PM મોદીના વખાણ, રાહુલ ગાંધીને અપખોડયા, મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નિવેદનના શું છે રાજકીય અર્થ?
કોલકત્તા: લોકસભા ચૂંટણીના દંગલની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ટીએમસીના નંબર-ટુની હેસિયત ધરાવતા અભિષેક બેનર્જીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો નામોલ્લેખ કર્યા વગર તેમને નિશાને લીધા અને ઈન્ડિયા ગઠબંધનના નિષ્ફળ હોવાના કારણો પણ ગણાવ્યા છે. અભિષેક બેનર્જીએ ન્યૂઝ-18ને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે આ લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી ટીએમસીના વોટ શેયરમાં વધારો થશે.
જ્યારે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે પુછવામાં આવ્યું, તો અભિષેક બેનર્જીએ તેમના વખાણ કર્યા. ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વયે પણ 12થી 14 કલાક કામ કરે છે, આ પ્રશંસાલાયક બાબત છે. મને નથી લાગતું કે જ્યારે અમે તેમની વયના થઈશું, ત્યારે આટલું કામ કરી શકીશું.
જ્યારે તેમને ઈન્ડિયા ગઠબંધનમાં સીટ શેયરિંગ પર સામાન્ય સંમતિ નહીં બનવા પર સવાલ પુછવામાં આવ્યો, તો તેમણે કહ્યુ કે જ્યારે બેઠકો શરૂ થઈ, તો અમે દરેક વખતે એ કહ્યુ કે સીટ શેયરિંગની ફોર્મ્યુલા પહેલા નક્કી કરવી જીએ. તેમણે આ કામ કર્યું નહીં. તેમને વિધાનસભામાં જીતની આશા હતી, જેનાથી બાર્ગેનિંગ ક્ષમતા વધી શકે. જો કે આવું થઈ શક્યું નહીં. તેમને હારનો સામનો કરવો પડયો. તેના પછી પણ અમારી બેઠકો થઈ. તેમણે આ મુદ્દા પર વાત કરી નહીં. મને લાગે છે કે તેઓ સીટ શેયરિંગ કરવા જ માંગતા ન હતા. જ્યારે આખરી બેઠક થઈ તેમાં અમે સમય આપ્યો અને સ્પષ્ટ કહ્યુ હતુ કે તમે નિર્ણય લઈ શકતા હોય, તો લઈ લો નહીંતર અમે એકલા ચૂંટણી લડીશું.
અભિષેક બેનર્જીને જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપના દેખાવને લઈને પુછવામાં આવ્યું, તો તેમણે કહ્યુ કે અમિત શાહ પહેલા બંગાળમાં 35 બેઠકોનો દાવો કરતા હતા. જો કે ચૂંટણીની તારીખ સામે આવતા જ તેઓ 25 પર આવી ગયા. બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં ટીએમસીના પ્રદર્શનમાં સુધારો થવાનો દાવો કર્યો.
અભિષેક બેનર્જી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ અને રાહુલ ગાંધીની ટીકા બાદ અટકળોનું બજાર ગરમ થવાનું નક્કી મનાય છે.