પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે શું છે સંબંધ,જાણો
એવું કહેવામાં આવે છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી, આનો મતલબ એવો થાય છે કે લોકમાન્યતા અનુસાર પ્રાચીનો મોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો ! કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતાં. સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વયં શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આ જ પીપળાની નીચે આપ્યું હોવાની માન્યતા પ્રચલિત છે.
આ ઉપરાંત એમ પણ કહેવામાં આવે છે કે પ્રાચીમાં આવનારા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મોક્ષ પીપળા પાસે સંકલ્પ લે છે. તેને જળ અર્પણ કરે છે. અને પિતૃઓની મુક્તિ અર્થે પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, અહીં તો કહેવત પ્રચલીત છે કે “જે જમાડશે તે રમાડશે !” અર્થાત્. અહીં શ્રાદ્ધકર્મ કરાવવાથી દંપત્તિની સંતાનની કામના પણ પરિપૂર્ણ થઈ જાય છે. એટલે કે ભક્તોના સર્વ મનોરથોને સિદ્ધ કરનારો છે પ્રાચીનો મોક્ષ પીપળો.
પ્રાચી તીર્થક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે. આ તીર્થક્ષેત્રનો મહિમા જ એ છે કે અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે. ઉત્તરાખંડના માણા ગામ સમીપે સરસ્વતીનું પ્રગટ સ્થાન આવેલું છે. પરંતુ, આ સરસ્વતીના નીર થોડાં અંતરે વહીને પુનઃ લુપ્ત થઈ જાય છે. કહે છે કે સરસ્વતીના તે જ નીર પુનઃ પ્રાચીમાં પ્રવાહિત થાય છે. અહીં આ પ્રગટ સરસ્વતીના તેમજ મોક્ષ પીપળાના દર્શનનો અદકેરો મહિમા છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.