આવો વિકાસ ? કડકડતી ઠંડીમાં ખૂલ્લામાં અભ્યાસ કરવા મજબુર વિદ્યાર્થીઓ, હાર્ટએટેકથી 2ના મોત
અમદાવાદઃ ગુજરાતના અંતરિયાળ ગામડાંઓમાં ઘણી શાળાઓમાં પુરતા વર્ગખંડ ન હોવાને લીધે બાળકોને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. એમાંય કડકડતી ઠંડીની સીઝનમાં અને સવારની પાળીમાં ચાલતી શાળાઓમાં ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરી રહેલા બાળકોની હાલત દયનીય બનતી હોય છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે રાજકોટની એક શાળામાં આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું ચાલુ શાળામાં જ હાર્ટ એટેકને કારણે મોત થયું હતુ. તેના જેવો જ કિસ્સો વલસાડમાં પણ બન્યો હતો. વલસાડની જે.પી. શ્રોફ આર્ટસ કોલેજના બીએનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આકાશ દિનેશ પટેલ નામના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું.
રાજકોટ શહેરમાં એ.વી જસાણી શાળાની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકને કારણે શાળામાં જ મોત નીપજ્યું હતુ. આ મામલે સરકાર એક્શનમાં આવી ગઇ છે. પરિવારના આક્ષેપ બાદ રાજ્ય સરકારે વિદ્યાર્થિનીના મોતનો અહેવાલ માંગ્યો છે. આ ઘટના બાદ જસાણી શાળાએ પોતાના શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. શાળાનો સમય સવારે 7:30 ના બદલે 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઠંડીને લીધે એટેકના કારણે બાળકીનું મૃત્યુ થયું હતું. ત્યારે સવારની પાળીમાં ચાલતી શાળાઓના સમયમાં ફેરફારની માગ ઊઠી છે. જેમાં જે શાળાઓમાં પુરતા વર્ગખંડો નથી અને બાળકોને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવા પડી રહ્યો છે. તેવા બાળકોની હાલત દયનીય જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ઉપલેટાના સેવંત્રા ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા તોડી પાડ્યા પછી નવા ઓરડા ના બન્યા હોવાથી વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં મેદાનમાં બેસીને ભણવું પડી રહ્યું છે. હવે આ મામલે સવાલ ઉઠી રહ્યો છે કે બાળકો ઠૂંઠવાતી ઠંડીમાં ખુલ્લામાં બેસીને ભણી રહ્યા છે તેના માટે જવાબદાર કોણ? એક તરફ શિક્ષણ અધિકારીએ આ મામલે ગોળગોળ જવાબ આપતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તેમને તેમને યોગ્ય તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે. દરમિયાન તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગરે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે અને 9 મહિનાથી રૂમ બનાવવા માટેની મંજૂરી મળી હોવા છતાં ઓરડા બનાવવામાં આવ્યા ના હોવાથી વિદ્યાર્થીઓ ઠંડીમાં ખુલ્લામાં બેસીને ભણવું પડી રહ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસી વિસ્તારોથી લઈને અનેક ગામડાં એવા છે, કે જ્યાં પ્રાથમિક શાળાઓમાં પુરતા વર્ગ ખંડો નથી, અને કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. સરકાર વિકાસની વાતો કરે છે, પણ ઘણાબધા ગામડાંઓમાં પ્રાથમિક શાળાઓમાં પુરતા વર્ગ ખંડો, નથી.