રાજકોટ: હાલ સમગ્ર દેશમાં વરસાદ થઇ રહ્યો છે. વરસાદની મોસમમાં વીજળી પડવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ખેતરોમાં કામ કરતી વ્યક્તિ, ઝાડ નીચે ઊભા રહીને અને મોબાઈલ ફોનના વપરાશ સમયે વીજળી પડવાનું જોખમ સૌથી વધુ હોય છે. વૈજ્ઞાનિકોના મતે મોબાઈલ ફોનથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે, જે વીજળીને આકર્ષે છે. ત્યારે આજે જાણીએ કે ગાજવીજ સાથે તોફાની વરસાદ આવે અને વીજળી પડવાની ઘટના બને ત્યારે શું કરવું?
વરસાદ પહેલાં અને દરમિયાન જો તમને વીજળીનો અવાજ સંભળાય છે, તો તમે વીજળી પડવાના સ્થળની નજીક હોય શકો છો. જાણકારી અને ચેતવણીઓ મેળવવા માટે સ્થાનિક સમાચાર માધ્યમોનો ઉપયોગ કરો, અફવાથી દૂર રહો. અગત્યની દવાઓ સહિતની ઇમરજન્સી/સર્વાઇવલ કીટ તૈયાર રાખો. બહારની પ્રવૃત્તિઓ મુલતવી રાખો. ઘરની અંદર જ રહો. બાળકોને પણ ઘરમાં જ રાખો. પ્રાણીઓને પણ સલામત સ્થળે રાખો. તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના પ્લગ કાઢી લો. વિદ્યુત ઉપકરણો અથવા વાયરોના સંપર્કને ટાળો. તારની વાડ કે યુટિલિટી લાઇનથી દૂર રહો. જો ઘરથી બહાર હોય, તો સાઇકલ, મોટરસાઇકલ કે અન્ય કોઇ પણ વાહન પરથી ઉતરી જાવ. સલામત સ્થળ શોધી ત્યાં આશરો લો. પાણીમાં પડેલા વીજ વાયરોથી દૂર રહો અને આ અંગે પ્રશાસનને તરત જ જાણ કરો.
વીજળી પડવાથી જો કોઇ ઇજાગ્રસ્ત થાય તો તેવા વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ. વીજળી પડવાનો ભોગ બનેલી વ્યક્તિમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી અને તેને સારવાર માટે સલામત રીતે લઇ જઇ શકાય છે. બાળકો અને વૃદ્ધોને વિશેષ સહાયની જરૂર પડી શકે છે, તેમને મદદરૂપ બનો. પાકી કે સિમેન્ટની ફરસ પર સુવું નહીં. સિમેન્ટની દીવાલોનો ટેકો ન લેવો. વીજળી થતી હોય તેવા સમયે વૃક્ષો હેઠળ આશ્રય ન લો, કારણ કે તે વીજળીના વાહક છે. વહેતા પાણીથી દૂર રહો. આવાં સમયે પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જોઇએ અને ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ.