વોટ્સએપએ ભારતમાં 67 લાખ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો
નવી દિલ્હીઃ મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppએ ભારતમાં 67 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે આ કાર્યવાહી જાન્યુઆરી 2024માં કરી હતી અને આ કાર્યવાહી આઈટી નિયમો 2021 હેઠળ કરવામાં આવી હતી. પ્રતિબંધિત 67.26 લાખ પૈકી 13.58 લાખ એકાઉન્ટની સામે કોઈ ફરિયાદ આવે તે પૂર્વે જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
ભારતમાં WhatsAppના લગભગ 56 કરોડ યુઝર્સ છે. વોટ્સએપને જાન્યુઆરીમાં 14,828 એકાઉન્ટ અંગે ફરિયાદો મળી હતી. ડિસેમ્બર 2023માં ભારતમાં 69 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વ્હોટ્સએપ એકાઉન્ટ ગોપનીયતા અને નીતિના ઉલ્લંઘનને કારણે પ્રતિબંધિત છે. જો કોઈ એકાઉન્ટમાંથી લોકોને વાંધાજનક સંદેશાઓ મોકલવામાં આવે છે અથવા સ્પામ સંદેશાઓ મોકલવામાં આવે છે, તો આવા એકાઉન્ટને પ્રતિબંધિત કરી શકાય છે.
2021 માં નવા IT નિયમોની રજૂઆત પછી, WhatsApp દર મહિને ફરિયાદ અપીલ રિપોર્ટ જાહેર કરે છે. આમાં સ્પામ, નગ્નતા વગેરે સંબંધિત ફરિયાદોનો સમાવેશ થાય છે.