ભારતમાં એક મહિનામાં વોટ્સએપે રેકોર્ડબ્રેક 45 લાખથી વધારે એકાઉન્ટ કર્યાં બ્લોક્સ
નવી દિલ્હીઃ ભારતમાં વોટ્સએપે એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વોટ્સએપએ નવા IT નિયમો 2021ના પાલનમાં ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં રેકોર્ડ 45 લાખથી વધુ ખરાબ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે, WhatsAppએ તેના માસિક અનુપાલન અહેવાલમાં જણાવ્યું હતું કે, 4,597,400 જેટલા WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમાંથી 1,298,000 એકાઉન્ટ સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. દેશમાં WhatsAppના લગભગ 50 કરોડ યુઝર્સ છે.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ યુઝર-સેફ્ટીમાં યુઝરની ફરિયાદો અને WhatsApp દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની વિગતો તેમજ અમારા પ્લેટફોર્મ પર દુરુપયોગને પહોંચી વળવા માટે WhatsAppના પોતાના નિવારક પગલાંનો સમાવેશ થાય છે.” પ્રવક્તાએ કહ્યું, “અમે અમારા કામમાં પારદર્શક રહીશું અને ભવિષ્યના અહેવાલોમાં અમારા પ્રયત્નો વિશેની માહિતીનો સમાવેશ કરીશું.”
દરમિયાન, લાખો ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સશક્ત બનાવવા માટે, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી, રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ગ્રીવન્સ અપીલ કમિટી (GAC) ની શરૂઆત કરી, જે સામગ્રી અને અન્ય મુદ્દાઓ અંગે તેમની ચિંતાઓ પર ધ્યાન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આજના આધુનિક જમાનામાં મોઢાભાગના લોકો સ્માર્ટફોનનો વપરાશ કરી રહ્યાં છે, તેમજ કરોડો લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. જેમાં અભદ્ર ટીપ્પણી અને દેશ વિરોધી પ્રવૃતિઓ સહિતના મુદ્દે અગાઉ કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ યોગ્ય કાર્યવાહી કરવા માટે સોશિયલ મીડિયા કંપનીઓને તાકીદ કરી હતી.