1. Home
  2. ગુજરાતી
  3. 21મી સદીના 21માં વર્ષમાં સમાચારોનું જન્મસ્થળ વોટ્સએપ યુનિવર્સિટી
21મી સદીના 21માં વર્ષમાં સમાચારોનું જન્મસ્થળ વોટ્સએપ યુનિવર્સિટી

21મી સદીના 21માં વર્ષમાં સમાચારોનું જન્મસ્થળ વોટ્સએપ યુનિવર્સિટી

0
Social Share

ન્યૂઝ પેપર્સ અને ન્યૂઝ ચેનલ્સની આજ કી તાઝા ખબર કે પ્રમુખ સુર્ખિયોને વોટ્સએપે વાસી કરી મૂક્યા છે

 વોટ્સએપે પત્રકારત્વને ઘણા પડકાર ફેંક્યા છે!

        -ગુજરાતી પત્રકારત્વમાં બે સદી પહેલાનો સમય જુદો હતો જ્યારે સમાચારો રિપોર્ટર લઈ આવતા અથવા કોઈ તાર-ટપાલ મારફતે મોકલતું. સંપાદક કે તંત્રી તેને ચકાસતા અને પછી એ યોગ્ય જણાય તો છપાતા. સમાચારો મેળવવાના વિશિષ્ટ સ્ત્રોત ન હતા.

        – ગુજરાતી પત્રકારત્વમાં બે દાયકા પહેલાનો સમય જુદો હતો જ્યારે સમાચારો રિપોર્ટર લઈ આવતા ઉપરાંત પ્રેસનોટ, પ્રેસ કોન્ફરન્સ, ન્યૂઝ એજન્સી મારફતે આવતા. તેની ખરાઈ પર શંકા કે સવાલ ન થતા. ફટાફટ તે છપાતા. સમાચારો મેળવવાના વિવિધ સ્ત્રોત હતા.

        – ગુજરાતી પત્રકારત્વમાં આજનો સમય જુદો છે જ્યારે સમાચારો રિપોર્ટર લઈ આવે કે પ્રેસનોટ અને પ્રેસ કોન્ફરન્સ મારફતે આવે કે ન્યૂઝ એજન્સી મોકલે એ પહેલાં વોટ્સએપમાં આવી જાય છે. સમાચારો મેળવવાનું પ્રમુખ સ્ત્રોત વોટ્સએપ બની ગયું છે.

ભવ્ય રાવલ (લેખકપત્રકાર)

અઢારમી સદીથી ઓગણીસમી સદી અને વીસમી સદીથી એકવીસમી સદીના યુગમાં ગુજરાતી પત્રકારત્વમાં જે પડકારો આવ્યા છે તે પડકારોમાં આજ સુધીનો સૌથી મોટો પડકાર વોટ્સએપ યુનિવર્સિટી છે. વોટ્સએપે સૌથી પહેલા સમાચાર મેળવવાનો, આપવાનો અને સૌથી વધુ સમાચાર ફેલાવવાનો પડકાર ફેંક્યો છે. આ સિવાય વોટ્સએપે વિશ્વસનીયતાનો પણ પડકાર ફેંક્યો છે. બસો વર્ષનું આયુષ્ય ધરાવતા ગુજરાતી પત્રકારત્વજગત સહિત તમામ ભાષાના પત્રકારત્વજગત સામે આજે એક સૌથી મોટો પડકાર આવીને ઉભો છે : વોટ્સએપ પર આવતા સાચા-ખોટા સમાચારોમાંથી સત્ય અને અસત્ય સમાચારોને અલગ તારવી વાંચકો-દર્શકો સમક્ષ તટસ્થ-તથ્યપૂર્ણ સમાચાર રજૂ કરવાનો પડકાર. સત્યને રજૂ કરવાનો પડકાર અને રજૂ કરેલું સત્ય એ સત્ય જ છે તેને સાબિત કરતા રહેવાનો પડકાર.

વર્તમાન સમયમાં વોટ્સએપની તાકાત એટલી વધી ગઈ છે કે મસમોટા મીડિયાહાઉસને પણ વોટ્સએપ પર પોતાના પેપર્સ કે ચેનલ્સના ગ્રુપ બનાવવા પડે છે, ઈ-પપેર સાથે ન્યૂઝ સ્ટોરીના વીડિયો અને ફોટોગ્રાફ્સ મૂકવા પડે છે. સતત લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા અપીલ કરતી રહેવી પડે છે. લિંક, ફોટો, વીડિયોનો મારો ચલાવતો રહેવો પડે છે. વોટ્સએપે મીડિયાહાઉસની મોનોપોલી ખત્મ કરી નાખી છે. અવસાન નોંધ, શુભેચ્છા સંદેશ, જાહેરખબરો, પ્રેસનોટથી લઈ તમામ અખબારી સામગ્રીઓ હવે વોટ્સએપ પર સૌથી પહેલા આવી જાય છે. ગુજરાતી અખબારો અને ટીવી ચેનલોને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે વોટ્સએપે પડકાર ફેંક્યો છે. મીડિયા સાથે જોડાયેલાઓએ ફરજીયાત તેનો સ્વીકાર અને વપરાશ કરવો જ પડશે એવો પડકાર. મીડિયામાં છો કે મીડિયા સાથે જોડાયેલા છો તો વોટ્સએપ પર હોવા જ જોશો નહીં તો ફેંકાઈ જશો. બસ આ જ વાતે વોટ્સએપ ન્યૂઝ પબ્લીશર્સ એન્ડ એડિટર્સ એન્ડ જર્નાલિસ્ટ એન્ડ રિપોટર્સ પેદા કર્યા છે. વોટ્સએપ પર હજારો પત્રકારો અને લાખો સમાચારના ગ્રુપો છે, ગુજરાતી ભાષાના પ્રમુખ સમાચાર પત્રો સહિત એકસોથી વધુ ગુજરાતી ભાષાના સમાચાર પત્રો અને સામયિકો વોટ્સએપમાં ઈ-પેપર સ્વરૂપે વાંચવા મળી જાય છે. વોટ્સએપ પર ગુજરાતી સમાચાર પત્રોની જેમ ગુજરાતી સમાચાર ચેનલો પણ પાછળ નથી. એ પણ પોતાની સમાચાર સામગ્રીઓ વોટ્સએપમાં શેઅર કરે છે. આ બધામાં સૌથી આગળ બ્રેકીંગ એન્ડ એક્સલ્યુઝિવ ન્યૂઝની ઈમેજ છે.

ગુજરાતી પત્રકારત્વમાં સમાચારો સૌથી પહેલા અને ઝડપથી આપી દેવાની હરિફાઈએ વોટ્સએપ ન્યૂઝ પ્લેટ્સની શોધ કરી છે. તેને ન્યૂઝ ટાઈલ્સ પણ કહે છે. કોઈપણ ઘટના બને કે તરત જ ખાનગી સમાચાર સંસ્થાઓ અને કંપનીઓ એ ઘટનાની જાણ કરતી ન્યૂઝ પ્લેટ્સ – ન્યૂઝ ટાઈલ્સ વોટ્સએપ ગ્રુપમાં મૂકે છે. એક ડિજીટલ ઈમેજ જેના પર કોઈ તાજી-તરત જ બનેલી ઘટનાની સંક્ષીપ્તમાં માહિતી હોય છે. આ બ્રેકીંગ એન્ડ એક્સલ્યુઝીવ ન્યૂઝ સૌથી પહેલા મૂકી દેવાની હોડમાં અને બીજાથી આગળ રહેવાની ઉતાવળમાં ઘણીવખત ખોટા સમાચારો પણ પ્રસિદ્ધ થતા રહે છે તો ક્યારેક કેટલાંક અસામાજિક તત્વો આવી પ્લેટ્સ કે ટાઈલ્સમાં ચેડાં કરી અફવાઓ ફેલાવે છે. વળી, કેટલાંક ન્યૂઝ પેપર્સ અને ન્યૂઝ ચેનલ્સને વોટ્સએપની વાઈરલ ખબર કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તે સમજાવવા એક આખી અલગ કોલમ કે શો ચલાવવો પડે છે!

પહેલાના સમયમાં હેડલાઈન્સ અખબારો કે ચેનલોનો જીવ ગણાતો. ક્યાં પેપર કે કઈ ચેનલમાં શું પ્રમુખ હેડલાઈન્સ છે એની ચર્ચાઓ થતી પરંતુ હવે વોટ્સએપના કારણે અખબારો કે ચેનલોની હેડલાઈન્સરૂપી જીવ મરી ચૂક્યો છે. અખબારો કે સમાચાર ચેનલોની આજ કી તાઝા ખબર કે પ્રમુખ સુર્ખિયોને વોટ્સએપે વાસી કરી મૂક્યા છે. 2000 રૂપિયાની નોટમાં ચીપ હોવાની વાત, પરગ્રહવાસીઓનું પૃથ્વી પર આગમન, અમિતાભ બચ્ચનથી લઈ લતા મંગેશકર જેવા સેલિબ્રિટીઓના અવસાન, મહામારીમાં મહાબુદ્ધિજીવીની સોનેરી સલાહો, લોકડાઉનની જાહેરાત, અનામત આજથી ઉઠી ગયું, ભૂકંપની આગાહી, આકાશમાંથી માછલીઓનો વરસાદ, કોરોના વાયરસ ત્રીજી લહેરની તારીખ, પૃથ્વી વિનાશ થવાનું વર્ષ, મુખ્યમંત્રી બદલાશે વગેરે જેવા અસંખ્ય જુમલાઓ સમાચાર સ્વરૂપે વોટ્સએપ યુનિવર્સિટીમાં દર બે-ત્રણ દિવસે ફરતા રહે છે. યૂઝર્સ વચ્ચે ફેક્ટ વર્સિસ ફેક ન્યૂઝની લડાઈઓ લડાતી રહે છે અને ઘણી વખત કેટલાંક યૂઝર્સે ચોખવટ કરવાથી લઈ માફીઓ પણ માંગતી રહેવી પડે છે. વોટ્સએપ પર ખોટા સમાચાર ફેલાવવા મામલે ઘણા જેલની સજા પણ ભોગવી ચૂક્યા છે.

સમાચારો સૌથી વધુ વોટ્સએપ પર વાઈરલ થાય છે, સમાચારો સૌથી વધુ વોટ્સએપ પર વંચાઈ છે અને જોવાય છે. વોટ્સએપ પર સૌથી વધુ ગ્રુપ સમાચારોના હશે. વોટ્સએપ સમાચાર આપવાનું અને મેળવવાનું હાથવગું હથિયાર બની ગયું છે. તેમાં પણ છેલ્લા કેટલાંક વર્ષોમાં ઘણા લોકો વોટ્સએપ પર પત્રકાર બની બેઠા છે. દિવસ-રાત કશા વિચાર્યા-સમજ્યા વિના જે કઈપણ કન્ટેન્ટ આવે એને ફોરવર્ડ કર્યા કરે છે અને આ રીતે વોટ્સએપ ખોટા સમાચાર ફેલાવનાર એક પ્રમુખ દૂષણ પણ બની ગયું છે. વોટ્સએપ પર સૌથી વધુ બનાવટી અને નકલી સમાચારો પણ હોય છે. વોટ્સએપ યુનિવર્સિટી એક એવું સ્થાન છે જ્યાં સમાચારોનું સત્ય પોતપોતાની રીતે રજૂ થતું હોય છે, યૂઝર્સે વિવેકબુદ્ધિથી નીર-ક્ષિરનો ભેદ પારખવાનો હોય છે. જ્યારે યૂઝર્સ બની બેઠેલા પત્રકારના ખોટા અર્થઘટન કરતા કે વાસ્તવિક ન હોય તેવા સમાચારો પર વિશ્વાસ મૂકી દે છે અને પાછળથી એ સમાચાર સત્ય સાબિત ન થતા માત્ર એ બની બેઠેલા પત્રકાર જ નહીં પરંતુ સમગ્ર પત્રકારત્વજગતને શર્મસાર થવું પડતું હોય છે.

વોટ્સએપ પરસેપ્શન ઉભો કરવાનું એક ટૂલ બની ગયું હોવાથી અને વોટ્સએપ પર ક્યારેય પણ કોઈપણ નરેટિવ સ્થાપિત કરી શકાતું હોવાથી એટલું ચોક્કસથી કહી શકાય કે, વોટ્સએપે પત્રકારત્વ જેવા ક્ષેત્રોની દશા અને દિશા બદલી નાખી છે, બગાડી મૂકી છે. વોટ્સએપે સમાચાર સંસ્થાઓ માટે નહીં સમગ્ર સમાજ માટે જોખમીરૂપ ધારણ કરી લીધું છે. ન માત્ર સત્તા પક્ષ પરંતુ વિરોધી પક્ષ સહિત સરકારી-ખાનગી સંસ્થાઓ પણ વોટ્સએપ યુનિવર્સિટીની ખબરોથી ખફા છે. અહીં ક્યારેય પણ કોઈના પણ ઓડિયો-વીડિયો વાયરલ કરી દેવામાં આવે છે, ચેટના સ્ક્રીનશોટ્સ શેઅર કરવામાં આવે છે. કોન્ફીડેન્શીયલ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય છે. વોટ્સએપ પર સમાચારોની સાથે કશું પણ સલામત રહેતું નથી. કોઈના દ્વારા મૂકવામાં આવેલી માહિતીમાં પણ કોઈના દ્વારા ચેડા કરવામાં આવે છે. લખનારનું નામ બદલી દેવામાં કે કાઢી નાખવામાં આવે છે, કોઈના નિવેદનમાં સુધારો-વધારો કરી આગળ મોકલવામાં આવે છે. કોઈના વિશે કઈપણ લખી નાખવામાં આવે છે. દુનિયાભરમાંથી અન્ય દેશોની સરખામણીમાં કદાચ ભારતમાં જ સૌથી વધુ વોટ્સએપનો દુરપયોગ કરવામાં આવે છે. વોટ્સએપ યુનિવર્સિટીના પ્રોફેસરો વોટ્સએપનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા નહીં શીખે અથવા વોટ્સએપ ખુદ પોતાની એપમાં જરૂરી નિયંત્રણો નહીં મૂકે તો સરકાર ટૂંકસમયમાં વોટ્સએપ પર આકરા પગલાં ભરશે એવું જણાય રહ્યું છે.

વોટ્સએપ યુનિવર્સિટીમાં જ્ઞાનની ગંગા વહેવડાવનાર કોઈ દિવસ સ્કૂલના પગથિયાં પણ ચઢ્યા હોતા નથી. વર્ગખંડમાંથી ભાગી આવેલા લોકો આ યુનિવર્સિટીના વી.સી યાની કે વાઈસ ચાન્સેલર છે. ઊંટવૈદ્યો, બોગસ સલાહકારો, મેનેજમેન્ટ માફિયાઓ જેમ અહીં પોથાપંડિતોની પણ ઉણપ નથી. કોઈપણ ઘટના બને એટલે સૌથી વધુ જાણ અને માહિતી આપનારાઓ અસંખ્ય હોય છે. જે માહિતી કેટલી વાસ્તવિક છે, કેટલી વાહિયાત છે, કેટલી વિકૃત છે એની જાણ કોઈને પણ ઝડપથી થતી નથી. તેનું કારણ પણ છે. યૂઝર્સને દરેક વાત સ્વીકારી લેવી છે, સમજવી નથી. ફોરવર્ડ કરવી છે પણ ફેક્ટ છે ફેક તે તપાસવું નથી. અને પછી તેનું પરિણામ સૌએ ભોગવવું પડે છે. સોશિયલ મીડિયા પર સમાચાર મેળવવાની નિર્ભરતાએ ખોટા સમાચારોને પ્રોત્સાહન આપ્યું છે. તેમાં પણ ખાસ કરીને વોટ્સએપ પર આવેલી દરેક માહિતીને સત્ય સમજી લેવામાં આવે છે, તેને ફોરવર્ડ કરવામાં આવે છે અને જોતજોતામાં એ માહિતી મોટો મુદ્દો ધારણ કરી લે છે. ખાલી સાચા-ખોટા સમાચારોનું નિર્માણ જ નહીં ક્યારેક કોમી રમખાણો કે આંદોલનોનું આયોજન પણ વોટ્સએપમાં થાય છે. ષડ્યંત્રોથી લઈ આંદોલનોના સમાચાર પણ વોટ્સઅપ પર વાયુવેગે પ્રસરે છે. વોટ્સએપ ફેક્ટ ન્યૂઝ સાથેસાથે ફેક ન્યૂઝનું પ્રમુખ સ્રોત બની જતા ન ફક્ત ભારત પરંતુ યૂરોપિયન દેશોમાં વોટ્સએપ યુનિવર્સિટી ન્યૂઝ નામની એક મોટી સમસ્યા ઉદ્દભવી છે.

ભારતમાં 60 કરોડથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ છે જેમાંથી મહત્તમ લોકો મોબાઈલ ફોન વડે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. હાલમાં જ રોયટર્સ ઈન્સ્ટિટયૂટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયાના કારણે ટીવીનો ઉપયોગ ઓછો થયો છે. અન્ય એક વૈશ્વિક સર્વે અનુસાર ભારતમાં રહેલા 60 કરોડથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સમાંથી 73 ટકા લોકો સ્માર્ટફોનના અને 27 ટકા લોકો કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા સમાચારો મેળવે છે. સમાચારના ફેલાવવા મામલે ફેસબૂક, ટ્વિટર, યુટ્યુબ, ટેલિગ્રામથી પણ વોટ્સએપ આગળ નીકળી ગયું છે. વોટ્સએપ ઝડપથી સમાચાર ફેલાવવાના મામલામાં શીર્ષ પર છે. સમાચાર સંસ્થાઓએ વોટ્સએપને એટલું મહત્વ આપવું પડે છે કે, અખબારો અને ચેનલોમાં વોટ્સએપની વાઈરલ ખબરને સ્થાન મળવા લાગ્યું છે. મીડિયા આજે મોટાભાગના સમાચારો પણ વોટ્સએપ પરથી લેતું થઈ ગયું છે.

21મી સદીના 21માં વર્ષમાં સમાચારનું જન્મસ્થળ વોટ્સએપ યુનિવર્સિટી બની ગયું છે. સમાચાર સૌથી પહેલા વોટ્સએપમાં જન્મે છે, એટલે કે બ્રેકીંગ એન્ડ એક્સલ્યુઝીવ ન્યૂઝ ફર્સ્ટ ઓફ ઔલ વોટ્સએપમાં આવી જાય છે. ત્યાંથી ફેસબૂક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, વેબસાઈટ પર અને પછી છેક ચેનલ્સ સાથે પેપર્સમાં આવે છે. સમાચારોની આપ-લે કરવામાં વોટ્સએપ અત્યારે બધા જ માધ્યમોમાં સૌથી આગળ છે. વોટ્સએપે સમાચારોની દુનિયામાં ક્રાંતિ જગાવી દીધી છે. હવે મોટાભાગનાં અખબારો અને સામયિકો ઈ-પેપર સ્વરૂપે વોટ્સએપમાં મળી જાય છે. મોટાભાગના ન્યૂઝ ચેનલ્સની લિંક અને વીડિયો પણ વોટ્સએપમાં આવી જાય છે. તસવીરો સાથેની તાજા ખબરો તો પળેપળ અને ક્ષણેક્ષણ મળતી રહે છે. વોટ્સએપમાં સૌથી વધુ સંદેશાઓ સમાચારના હોય છે. વોટ્સએપમાં સૌથી વધુ નોટિફિકેશન ન્યૂઝની આવે છે!

વધારો : વોટ્સએપ એક એવી યુનિવર્સિટી છે જેના પ્રોફેસર બનવા માટે કોઈ લાયકાતની જરૂર નથી. આજે ઘણા લોકો વોટ્સએપ યુનિવર્સિટીના પ્રોફેસર બની બેઠા છે. વોટ્સએપ પર ચતુરાઈપૂર્વક સમાચારો સાથે જાહેરાતોની હેરાફેરી કરી ઘણા લોકો પૈસા પણ કમાતા થઈ ગયા છે. કોઈપણ વ્યક્તિ કશી લાયકાત કે આવડત વિના સીધો જ વોટ્સએપ પર સમાચાર ગ્રુપનો સ્વયંઘોષિત માલિક, પ્રકાશક, તંત્રી, પત્રકાર બની શકે છે! વોટ્સએપ સાચા-ખોટા સમાચારોની સાથે સાચા-ખોટા પત્રકારોનું પણ જન્મસ્થળ બની ગયુ છે.

પરિચય : ભવ્ય રાવલ

ભવ્ય રાવલ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે. મેઈન સ્ટ્રીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાંચકો ભવ્ય રાવલના લખાણ વાંચે છે એ પણ ઓનલાઈન!

યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાંક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે. ભવ્ય રાવલે બે નવલકથાઓ ‘…અને’ ઑફ ધી રેકર્ડ અને ‘અન્યમનસ્કતા’ તથા ‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ એમ કુલ ત્રણ પુસ્તકો લખ્યા છે.

એક પત્રકાર તરીકે ભવ્ય રાવલે અનેક લોકોના ઈન્ટરવ્યૂ લીધેલાં છે તેમજ પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ઘણા વિષયો પર સંશોધન કરેલું છે. તેઓએ સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વમાં એમ.ફિલ (માસ્ટર ઈન ફિલસૂફી) અભ્યાસક્રમ કર્યો છે.

Email : ravalbhavya7@gmail.com

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code