કંડલા અને મુન્દ્રા બંદરેથી ઘઉંની નિકાસમાં વધારો, 11 લાખ ટન નિકાસમાંથી બન્ને બંદરોનો ફાળો 85 ટકા
ભૂજઃ ગુજરાતના મુખ્ય બે બંદરો પર નિકાસ વધતી જાય છે. દેશમાં આયાત-નિકાસમાં કંડલા અને મુન્દ્રા બંદરનો મહત્વનો ફાળો છે. હાલ દેશમાંથી 11 લાખ ટન ઘઉંની નિકાસ થઈ રહી છે. જેમાં 85 ટકા નિકાસમાં ભન્ને બંદરોનો ફાળો છે. ઘઉંની નિકાસ માટે ગુજરાતનું કંડલા બંદર દાયકા પછી હોટ ફેવરીટ બન્યું છે. રશિયા-યુક્રેન જેવા મહત્વના ઘઉં ઉત્પાદક અને નિકાસકાર રાષ્ટ્રોમાંથી તનાવને લીધે ઘઉંની નિકાસ શક્ય નથી. પરિસ્થિતિનો સીધો લાભ ભારતને મળી રહ્યો છે. હાલ કંડલા-મુંદ્રા બંદરેથી નિકાસની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાંથી 40 લાખ ટનની નિકાસ માટે સોદા પાક્કા થઇ ગયા છે. એ પૈકી 11 લાખ ટન ઘઉં નિકાસ થઇ ચૂકી છે. આ જથ્થામાંથી આશરે 85 ટકા જેટલો જથ્થો કંડલા-મુંદ્રા બંદરેથી નિકાસ કરાયો છે. કંડલા બંદર ઘઉંને લીધે ફરી ધમધમતું થઇ ગયું છે. ભૂતકાળમાં 2013-14ની સીઝનમાં ઘઉંની ખૂબ નિકાસ કરવામાં આવી હતી. જોકે ઘઉંની નિકાસ રેકર્ડબ્રેક સર્જશે. રશિયા-યુક્રેનના યુદ્ધના લીધે વૈશ્વિક આયાતકારો પાસે ભારત, ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના જેવા ત્રણ જ વિકલ્પ બચ્યા છે. એમાં ભારત અત્યારે લીડરની ભૂમિકામાં છે. ભારત હરિફાઇયુક્ત ભાવને લીધે ઇજીપ્ત, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ઘઉં જોરશોરથી ઠાલવી રહ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કંડલા અને મુંદ્રા બન્ને બંદર પરથી ઘઉંની નિકાસ ચાલુ છે. કંડલાથી બલ્કમાં રવાનગી થાય છે જ્યારે મુંદ્રાથી ક્ન્ટેઇનરમાં ઘઉં ભરાય છે. બંદરે આઇટીસી સહિતની ચારથી પાંચ જેટલી રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ ઘઉં ખરીદીને ઠાલવે છે. કંડલા સિવાય ઘઉં મોકલવાનું પોસાણ નથી. સૌરાષ્ટ્રમાં તો ઘઉંનો પાક પૂરો થવા આવ્યો છે પણ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી મોટાંપાયે કંડલા બંદરે ઘઉં ઠલવાય છે.
દીન દયાળ પોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ કંડલા બંદરે પહેલી મેના દિવસે આશરે 8થી 9 લાખ ટન જેટલા ઘઉંનો ખડકલો થયેલો હતો. એમાંથી આજ સુધીમાં માંડ બે ત્રણ લાખ ટન ઘઉં ક્લિયર થયા હશે. હજુ નવા સોદા સતત ચાલુ હોવાથી માલનો ભરાવો બંદર પર ઘણોબધો દેખાય છે. 9મી મેના રોજ 55 હજાર ટનની એક શીપ લાગેલી હતી. એ પછી ચાલુ સપ્તાહમાં 66,000 ટનની એક શીપ લાગવાની છે. બાદમાં 55,000 ટનની એક, 60,500 ટનની ક્ષમતાવાળી બે અને 30,000 ટનની ક્ષમતાવાળી એક શીપ લાગવાની છે. એ જોતા દસ-બાર દિવસમાં સવા ત્રણ લાખ ટન ઘઉંની નિકાસ થઇ જશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઘઉંની નિકાસ માત્ર કંડલાથી થાય છે એવું નથી મુંદ્રાથી પણ થોડી નિકાસ છે અને કાકીનાડા તથા વિશાખાપટ્ટનમ બંદરેથી પણ થાય છે. જોકે આ ત્રણેય બંદરનો જથ્થો મામૂલી છે. કંડલા અને મુંદ્રાથી જ ભારતની કુલ નિકાસનો આશરે 80-85 ટકા જથ્થો નિકાસ થઇ રહ્યો હોવાનો અંદાજ છે.