- તાપીના જળસ્તર વધતા સુરતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,
- તંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરાયા,
- અસરગ્રસ્ત પરિવારોને શાળાઓમાં આશરો અપાયો
સુરતઃ તાપી નદી પરના ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક વધી રહી છે. મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા અને તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમ છલકાતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને બે લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી ગાંડીતૂર બની છે.. હાલ ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થતા સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે તાપી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. દરમિયાન શહેરમાં પણ ભારે વરસાદ પડતા અડાજણ વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિર પાસે આવેલા રેવા નગરમાં પાણી ભરાવવાના શરૂ થયા હતા. ગત મોડી રાતથી જ પાણી ભરાવાનું શરૂ થતા તંત્ર એલર્ટ થઈ ગયું હતું. વહેલી સવારથી જ તંત્રની ટીમ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગઈ હતી અને લોકોનું સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું હતું. ખાસ કરીને રેવા નગરના અસરગ્રસ્ત પરિવારોને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ અન્ય પરિવારોને પણ પોતાનો માલ સામાન યોગ્ય સ્થાને મૂકી દેવા માટે સૂચના આપી દીધી હતી. વર્ષોથી રહેતા પરિવારો ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિનો સામનો કરતા હોય છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં અગમચેતીના ભાગરૂપે કતારગામ વિસ્તારના તાપી કિનારે આવેલા વિસ્તારોમાંથી 60 લોકોનું સ્થળાંતર કરાયું. 60 લોકોને અગમચેતીના ભાગરૂપે મીરઝા શામી હોલ વરિયાળી બજાર ખાતે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.
તાપી નદીમાં સતત પાણીની આવક વધતા ફ્લડ ગેટ બંધ કરાયા છે. ફ્લડગેટ બંધ થતા વરસાદી પાણી બેકપ મારી રહ્યા છે. રાંદેર વિસ્તારમાં મહાદેવ મંદિરમાં વરસાદી પાણી ભરાયા છે. સિધ્ધેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મહાદેવ મંદિરના પરિસરમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ગટરિયા પાણી ભરાઇ રહ્યા છે.
#TapiriverFlooding #SuratFloodAlert #UkaiDamOverflow #SuratRescueOperations #FloodAffectedFamilies #LowLyingAreasInundated #HeavyRainfallImpact #SuratRelocationEfforts #FloodReliefMeasures #TapiRiverRising #SuratEvacuations #WaterloggingInSurat #FloodRescueInSurat #NaturalDisasterManagement #RainfallImpactOnSurat #FloodPreparedness #SuratEmergencyResponse #RainWaterOverflow #HeavyRainInGujarat #FloodedTemplesInSurat