Site icon Revoi.in

સુઈગામ નજીક હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં લોકો દારૂ સમજી કેરબા ભરી ગયાં

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના સુઈગામ નજીક હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરે પલટી ખાતા મિથેલીન નામનું પ્રવાહી કેમિકલ રોડ પર ઢોળાતા આજુબાજુનાં લોકો ત્યાં દોડી આવ્યા હતા. સ્થાનિકોએ દારૂ ઢોળાઈ રહ્યો છે. તેમ સમજીને પોતાના વાસણોમાં ભરીને મિથેલોન પોતાના ઘરે લઈ ગયા હતા. દરમિયાન જવલનશીલ કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કરમાં આગ લાગતા સુઈગામ ઝઝામ હાઇવેને બંને તરફથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પણ લોકો જ દારૂ સમજીને જે કેમિકલ લઈ ગયા હોય પોલીસને દોડધામ કરવી પડી હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુઈગામ- ઝઝામ રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટાયું હતું. ટેન્કર પલટી માર્યા બાદ જવલનશીલ કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કરમાં આગ લાગતા સુઈગામ ઝઝામ હાઇવેને બંને તરફથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. ટેન્કરમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું શરૂ કર્યુ હતું. ગાંધીધામથી કેમિકલ ભરેલું ટેન્કર પંજાબના લુધિયાના જઈ રહ્યુ હતું ત્યારે ખરાબ રસ્તાના કારણે ટેન્કરે પલટી ખાધી હતી. જોકે, ટેન્કરમાં આગ લાગ્યા બાદ સદનસીબે જાનહાની ટળી હતી. પરંતુ ટેન્કરમાં આગ લાગતા પહેલા જે મિથેલોન પ્રવાહી જમીન પર ઢોળાયું હતું. જેથી આજુબાજુનાં લોકો ત્યાં દોડી આવ્યા હતા. સ્થાનિકોએ આ કેમિકલ ઉપયોગી છે તેવું સમજીને પોતાના વાસણોમાં ભરીને મિથેલોન પોતાના ઘરે લઈ ગયા હતા. પરંતું ટેન્કર પાસે બાકી રહેલા કેમિકલમાં આગ ફાટી નીકળી હતી. જેથી પોલીસ એક્શનમાં આવી હતી. ઝેરી કેમિકલ ઘરે લઈ જવાની બાબતે પોલીસે લોકોને લાગણીસભર અપીલ કરી હતી.

સુઈગામની પોલીસે કેમિકલ વાપરવું નહિ અને તેનાથી બાળકો તેમજ અન્ય લોકોને દૂર રહેવા અપીલ કરી હતી. કેમિકલ લોહીમાં જાય તો મિનિટોમાં માણસનું મૃત્યુ થવાની સંભાવના હોવાની માહિતી પોલીસે ગામલોકો સુધી પહોંચાડી હતી. લોકોનાં શ્વાસમાં આ કેમિકલ જાય તો પણ મૃત્યુ થવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી લોકોને કેમિકલનો નાશ કરવા અથવા પોલીસને પરત કરવા અપીલ કરી હતી. ઝેરી કેમિકલ કોઈને કામ આવી શકે તેમ નથી તેથી આ કેમિકલ પોલીસને પરત કરવું પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહિ તેવી પણ પોલીસે અપીલ કરી હતી.

થરાદ અને દિયોદરની ડીવાયએસપી તેમજ પીએસઆઈ સહિત 100 થી વધુ પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને કેમિકલથી દુર રાખવા માટેની કામગીરી હાથ ધરી હતી. ગામડાંમાં જઈને પોલીસે લોકોને કેમિકલનો ઉપયોગ ન કરવા અપિલ કરવામાં આવી હતી. (file photo)