અમદાવાદઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે તેમના વિશે એવી વાત પણ જાણીશું કે જે અત્યાર સુધી કોઈને ખબર હશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક લોકોને સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું હશે અને તેમાંના એક જગદિશ આણેરાવે પણ પોતાનો નરેન્દ્રભાઈ મોદી સાથે અનુભવને શેર કર્યો હતો.
જગદીશભાઈ આણેરાવે નરેન્દ્ર મોદી સાથેના અનુભવને લઈને કહ્યું કે જ્યારે તેઓ ધોરણ-12માં હતા ત્યારે વિદ્યાર્થી કાર્યકરોમાં એવી યોજના બની હતી કે વિદ્યાર્થી કાર્યકરો પોતાનું સ્થાન છોડીને બહાર જાય અને જે તે જગ્યાએ જઈને સંઘનું કામ કરે અને સાથે સાથે અભ્યાસ પણ કરે.
જગદીશભાઈ જણાવ્યું કે આ સમયે અમે ધોળકામાં રહેતા હતા અને એક બેઠકમાં નરેન્દ્રભાઈએ મને આગ્રહ કર્યો કે તમે પણ બહાર જઈને સંઘનું કામ કરો અને અભ્યાસ પણ કરો, ત્યારે મને મનમાં 50-50 જેવું હતુ કારણ કે આ બેઠકમાં મારા પિતાજી પણ હાજર હતા, ત્યારે નરેન્દ્રભાઈએ જગદિશભાઈના પિતાજીને કહ્યું કે જગદિશ આપણા જેટલો કાર્યરત નહીં હોય પણ આપણે તેને વિસ્તારક તરીકે વિકસાવવાનો છે. અને આ વાતનો મારા પિતા પર એવો પ્રભાવ પડ્યો કે નરેન્દ્રભાઈની વાત સાંભળીને પિતાજીએ તરત જ પરવાનગી આપી દીધી હતી.
નરેન્દ્રભાઈએ શીખવ્યું કે નાની-નાની વાતો પર પણ ખુબ ચોક્સાઈથી કામ કરવું જોઈએ. આ વાતને લઈને અનુભવ શેર કરતા જગદિશભાઈ કહ્યું કે ઈડરથી વિસ્તારક બન્યા પછી એકવાર નરેન્દ્રભાઈ મને વિદેશોમાં મોકલવા માટેનો પત્ર આપ્યો, અને કહ્યું કે જગદીશ આને ગુંદર લગાવીને પોસ્ટ કરી દે. મને જે ગુંદર હાથમાં આવ્યો તેનો ઉપયોગ કર્યો અને તે ગુંદરથી પત્ર થોડો કાળા રંગનો થઈ ગયો હતો. આ વખતે નરેન્દ્રભાઈએ મને શિખવ્યું અને કહ્યું કે “જગદિશ આ પત્ર નરેન્દ્ર મોદીનો નથી, આ પત્ર એક ભારતીયનો છે અને આ પત્ર જ્યારે વિદેશમાં જશે ત્યારે તે લોકો એ નહીં જોવે કે આ પત્ર નરેન્દ્રનો છે, તે લોકો એ જ વિચારશે કે આ પત્ર ભારતથી આવેલો છે અને આનાથી આપણા દેશની છાપ કેવી પડશે? એટલે આપણે આ ધ્યાન રાખવાનું.
બીજો અનુભવ શેર કરતા જણાવ્યું કે આપણને સૌને વિચાર આવતો હશે કે નરેન્દ્ર મોદી આટલું બધુ કામ કેવી રીતે કરી શકે છે. તો આ પાછળ પણ તેનું કારણ છે. જગદિશ અનેરાવે કહ્યું કે કારણ એ છે કે જ્યારે પણ સંધમાં કોઈ કામ કરે ત્યારે તેને કામ સોંપવામાં નથી આવતું, પણ જાતે જ દરેક કામની જવાબદારીને પોતાની સમજીને કામ કરે છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વયંસેવક એકપાઠી હોવો જોઈએ, એટલે કે એકવાર વાંચે અને તે ધ્યાનમાં રહેવું જોઈએ. એકનું એક વારંવાર વાંચવું પડે તે સ્વયંસેવક માટે યોગ્ય નથી. સંધના દરેક કાર્યકરનું કામ હોય છે કે તે કોઈ પણ વાતને અન્ય કાર્યકરને કંઠસ્ત કરાવે, એટલે કે બોલીને યાદ રખાવે. સંઘમાં જ્યારે પણ ચર્ચા કે વાત થાય ત્યારે કાગળ કે ડાયરીમાં જોઈને બોલે તે ન ચાલે, દરેક વસ્તુને કંઠસ્ત કરવાની હોય છે.
આ ઉપરાંત નરેન્દ્રભાઈએ શબ્દ આપ્યો કે શતાવધાની, એટલે કે સંઘનો દરેક વ્યક્તિનું એક કરતા વધારે કામ પર લક્ષ્ય હોવું જોઈએ અને તે પોતે પણ તે કામમાં મગ્ન હોવો જોઈએ. લોકોની આદત હોય છે કે એક સમય પર એક જ કામ કરતા હોય છે અને આના કારણે સમય પણ વધી જતો હોય છે પણ સંઘના દરેક કાર્યકર્તાએ કે વ્યક્તિએ એકસાથે એક કરતા વધારે કામ પર લક્ષ્ય રાખવું જોઈએ.