વાઘોડિયા નજીક કાર હીટ થતાં બે યુવાનો પાણી લેવા કેનાલમાં ઉતર્યા, ડુબી જતાં બે લાપત્તા
વડોદરાઃ પાવાગઢથી દર્શન કરીને પરત કરીને પાંચ યુવાનો કારમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે વાઘોડિયાના ખંડીવાળા ગામ પાસે પહોંચતા કાર હીટ થઈ હતી. તેથી રોડ સાઈડમાં પસાર થતી નર્મદાની કેનાલમાં બે યુવાનો પાણી લેવા માટે ઉતર્યા હતા. દરમિયાન બોટલમાં પાણી ભરતા સમયે એક યુવાનનો પગ લપસતા કેનાલમાં ખાબક્યો હતો. તેથી તેના બચાવવા જતાં બીજો યુવાન પણ કેનાલમાં પડ્યો હતો. બન્ને યુવાનો કેનાલના ધસમસતા પાણીમાં તણાઈને લાપત્તા બન્યા છે.બન્ને યુવાનોને શોધવા માટે ફાયર બ્રિગેડના જવાનો અને એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ કરવામાં ચાલી રહી છે.
આ બનાવની વિગતો એવી છે. કે, વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવ નગર 2માં રહેતા કિરણ છોટેલાલ મિસ્ત્રી (ઉં.વ. 32) તેનો ભાઈ રાહુલ છોટેલાલ મિસ્ત્રી (ઉં.વ. 26), તથા આજવા રોડ વ્રજભૂમિ સોસાયટીનો રહેવાસી વીજેન્દ્ર કનુભાઈ પરમાર (ઉં.વ. 27), તેમજ આજવા રોડ સમૃદ્ધિ પાર્ક સોસાયટીનો રહેવાસી રોશન સંજયભાઈ વસાવા (ઉં.વ. 32) અને રામદેવ નગર 2નો રહેવાસી સાગર પ્રવીણભાઈ પરમાર (ઉં.વ. 23) કાર લઈને પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. આ પાંચેય મિત્રો માતાજીના દર્શન કરીને સમી સાંજે પરત વડોદરા આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓની કાર હિટ પકડતા એન્જિનમાં પાણી નાખવા માટે ખંડીવાળા નર્મદા મુખ્ય કેનાલ પાસે રોકાયા હતા. જેમાં કિરણ મિસ્ત્રી અને વિજેન્દ્ર પરમાર પાણીની બોટલ લઈને નર્મદા કેનાલમાં પાણી લેવા માટે ગયા હતા. ધસમસતા નર્મદા કેનાલના પાણીમાં બંને મિત્રો પાણી લેવા ઉતારતાની સાથે જ પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા હતા. નર્મદાના વહેણમાં તણાવા લાગેલા મિત્રોએ બુમરાણ મચાવતા કાર પાસે ઉભેલા અન્ય ત્રણ મિત્રો કેનાલ પાસે બચાવવા માટે દોડી ગયા હતા. પરંતુ પાણીના પ્રવાહમાં તેઓ તણાવા લાગ્યા હતા અને દૂર નીકળી ગયા હતા. બે મિત્રો પાણીના પ્રવાહમાં તણાઈ જતા અન્ય ત્રણેય મિત્રો ગભરાઈ ગયા હતા.
આ ઘટનાની જાણ કેનાલ ઉપર ઉભેલા મિત્રોએ જરોદ પોલીસને કરતા જરોદ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તે સાથે આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડ અને જરોદ એનડીઆરએફને કરવામાં આવતા લાશ્કરો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને નર્મદા કેનાલમાં તણાઈ ગયેલા બંને મિત્રોની શોધખોળ શરૂ કરી હતી. જોકે આજે 24 કલાક પછી પણ બંનેનો કોઈ પત્તો મળ્યો ન હતો.