Site icon Revoi.in

દહેજની માંગણી નહીં સંતોષાતા સાસરિયાઓ પરિણાતાને આપતા હતા ત્રાસ , મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં દહેજને લઈને બનતા બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા આવા બનાવોને અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે પરંતુ આવા બનાવો અટકવાનું નામ નથી લેતા, દરમિયાન અમદાવાદ શહેરમાં પ્રેમલગ્ન કરનાર યુવતી પાસે તેના પતિ, સાસુ-સસરા અને નંણદએ દહેજની માંગણી કરી હતી. દહેજમાં આ લોકો પરિણાતા પાસે મકાનની માંગણી કરતા હતા. જો કે, દહેજની માંગણી નહીં સંતોષાતા સાસરિયાઓ તેને ત્રાસ આપતા હતા. સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતા પોલીસ સ્ટેશન પહોંચી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાહીદા (નામ બદલ્યુ છે) નામની યુવતી પોતાના ઘરેથી એજ્યુકેશન વિઝાનું કામ કરીને ગુજરાન ચલાવે છે. પરિણીતા જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તે ટ્યુશન ક્લાસિસ માટે જતી હતી. જ્યાં તેને બાપુનગર વિસ્તારમાં રહેતા જીશાન નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બન્નએ ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લવ મેરેજ કરી લીધા હતા. લગ્ન કરી લીધા બાદ પરિણીતા સાસરીમાં રહેવા માટે ગઈ હતી. લગ્નના એક અઠવાડિયા બાદ જીશાનની ગેરહાજરીમાં સાસુ-સસરા અને નણંદએ પરિણીતાને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધુ હતું. પરિણીતાએ સમગ્ર વાત જીશાનને કહી તો તેણે પણ પોતાના માતા-પિતા અને બહેનનો પક્ષ લેતો હતો અને કહેવા લાગ્યો હતો કે, તારે અહીંયા રહેવું હોય તો બધું સહન કરવુ પડશે, સાસુ સસરા અવાર નવાર કહેતા હતા કે, તારા મા-બાપને કહે મકાન આપે. લગ્નના ત્રણ મહિના સુધી પરિણીતાએ સાસરિયાનો ત્રાસ સહન કર્યો હતો.

જીશાન અને સાસરિયાઓએ પરિણીતાને કહ્યું હતું કે, આપણા ઘરમાં રહેવાની સાંકડાશ પડે છે જેથી મકાનના પહેલા માળનો રૂમ રિનોવેશન કરાવવાનો છે. એટલે તું થોડા દિવસ તારા પિયરમાં રહેવા માટે જતી રહે. રિનોવેશ થઈ જાય એટલે તને અમે બોલાવી લઈશું. પરિણીતા તેના પિયરમાં રહેવા માટે જતી હતી. જ્યાં એક મહિના સુધી સાસરિયાએ તેનો સંપર્ક કર્યો નહીં.

પરિણીતાએ આ મામલે જીશાનને સાથે વાત કરી તો તેણે જણાવ્યું હતું કે, માતા-પિતા અને બહેનને તું ગમતી નથી. એટલે આપણે બીજે રહેવાની વ્યવસ્થા કરવી પડશે. પરિણીતાએ જીશાન સાથે જવાની જીદ કરી હતી. જેથી બન્ને 15 દિવસ સુધી કારંજ ખાતે આવેલી એક હોટલમાં રહ્યા હતા. બાદમાં શાહપુર મીલ કમ્પાઉન્ડ પાસે ભાડાનું મકાન મળતા બન્ને ત્યાં રહેવા માટે જતા રહ્યા હતા. 10 મહિના જેટલું પરિણીતા અને જીશાન શાહપુર ખાતે રોકાયા હતા.પરંતુ આ સમયગાળા દરમિયાન જ્યારે જીશાન તેના માતા-પિતાને મળવા જાય ત્યારે તે ઘરે પરત આવીને પરિણીતાને માર મારતો હતો અને છૂટાછેડા લેવા માટે દબાણ કરતો હતો અને આવું અવાર નવાર થતું હતું છેવટે કંટાળીને પરણિતાએ પોતાના સાસરિયા વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.