અમદાવાદમાં જિમ બંધ કરાવાતા તેના સંચાલકોએ મ્યુનિ. કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું
અમદાવાદઃ શહેરમાં શુક્રવારે જિમ સંચાલકોએ પોલીસ કમિશનરના જાહેરનામા અને કેન્દ્રની ગાઈડલાઈન મુજબ જિમ ખોલ્યાં હતાં. ત્યારબાદ વિરોધ થતા મ્યુનિ.કોર્પોરેશને જિમ બંધ કરાવ્યા હતા. આથી શહેરના 50 જેટલા જિમ સંચાલકોએ શહેરની દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે બેનરો સાથે વિરોધ કરી અને કોરોનાની ગાઈડલાઈન સાથે જિમ શરૂ કરવા રજુઆત કરી હતી. કોર્પોરેશન ઓફિસના પ્રાંગણમાં જિમ સંચાલકોએ “અમારી ભૂલ કમળનું ફુલ”ના નારા લગાવ્યા હતા. બેનરો પર અમે બેરોજગાર છીએ અને રોડ પર છીએ, અમે દારૂ કે ડ્રગ્સ નથી વેચતાં અમે સમાજમાં ઇમ્યુનીટી વધારીએ છીએ.. આવી રીતે જિમ સંચાલકોએ બેનરો સાથે રજૂઆત કરી હતી.
શહેરના પોલીસ કમિશનરના જાહેરનામા અને મ્યુનિસિપલ કમિશનરના પરિપત્રને લઈ જિમ ખોલવા બાબતે શુક્રવારે અસમંજસ ઉભી થઇ હતી. છેવટે સાંજે મ્યુનિસિપલ કમિશનરના પરિપત્ર મુજબ જિમ બંધ જ રાખવાનો આદેશ માન્ય રહેશે જ જિમ ખુલશે તો તેમની સામે એપેડેમીક એકટ અને જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવશે. તેમ જણાવ્યું હતું. જિમ સંચાલકોએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરનું જાહેરનામું અને સેન્ટ્રલની ગાઈડલાઈન મુજબ SOP પાલન સાથે જિમ ખુલ્યા છે. રાજયમાં ચૂંટણી અને અન્ય જગ્યાઓ જેવી કે રેસ્ટોરન્ટ વગેરેમાં લોકો ગાઈડલાઈનના પાલન સાથે જતાં હોય તો જિમ પણ SOP સાથે ચાલુ કરી શકાય જેથી જિમ શરૂ થયા છે. જિમ બંધ હોવાથી સંચાલકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જિમ સંચાલકો તમામ નિયમોનું પાલન કરીને જિમ શરૂ કરવા માગે છે. મ્યુનિ. કમિશનરે મંજુરી આપવી જોઈએ.