શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયુ છે, ત્યારે મધ્યાંહન ભોજન યોજના ચાલુ કરવા શૈક્ષિક મહાસંઘની માગ
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપતા હવે તમામ પ્રાથમિક શાળાઓ ઓફલાઈન શિક્ષણ કાર્યથી ધમધમતી બની ગઈ છે. જે કે સરકારે શાળાઓમાં મધ્યાહન ભોજન હજુ શરૂ કર્યુ નથી.આથી અંતરીયાળ વિસ્તારમાંથી દુરથી આવતા બાળકોને મધ્યાહન ભોજન નહી મળતા ભૂખ્યા રહેવું પડે છે. તેથી ધોરણ-1થી 8ના બાળકો માટે મધ્યાહન ભોજન શરૂ કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે માંગણી કરી છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે વિદ્યાર્થીઓના હિતમાં શાળામાં પ્રત્યક્ષ શિક્ષમ કાર્ય શરૂ કરી દીધુ છે. પ્રાથમિક શાળાઓમાં બાળકો પણ શાળામાં આવવા લાગ્યા છે. જોકે શાળાઓમાં હાલમાં કોવિડની ગાઇડ લાઇન મુજબ 50 ટકા જ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. ત્યારે હાલમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવતું નથી. જેને પરિણામે અંતરિયાળ વિસ્તારમાંથી આવતા બાળકો શાળામાં આવવા માટે સવારે 10 કલાકે ઘરેથી નિકળી જતા હોય છે. ઉપરાંત બાળકોના વાલી સવારથી જ ધંધા, રોજગાર અને મજુરી માટે નિકળી જતા હોય છે. ઘરે રહેતા બાળકો ઘણી વખત ભૂખ્યા જ શાળામાં આવતા હોય છે. ત્યારે આવે બાળકોની હાલત કફોડી બની રહે છે.
આથી આવા બાળકોને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે છે. ત્યારે ભૂખ્યા બાળકોને ભોજન મળી રહે તે માટે મધ્યાહન ભોજન આપવામાં આવે તો જઠરાગ્નિ સંતોષાય તે જરૂરી છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાંથી આવતા આવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે મધ્યાહન ભોજન યોજનાના કમિશનરને લેખિત રજુઆત કરી છે.(File photo)