ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે મહિના પહેના જ મોંઘવારી ભથ્થું જાહેર કરી દીધું છે. જ્યારે ગુજરાત સરકારે હજુ સુધી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર ન કરતા કર્મચારીઓ અને પેન્શનરોમાં સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. આમ તો એવી પરંપરા રહી છે. કે, કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ જાહેર કરે ત્યારબાદ પખવાડિયામાં જ ગુજરાત સરકાર પણ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરતી હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા તેમના કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્રના ધોરણે દર છ માસે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવતું હોય છે. મોંઘવારી ભથ્થું જે-તે વર્ષના જાન્યુઆરી અને જુલાઇ માસમાં ચુકવવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકારે જુલાઇ -22 અને જાન્યુઆરી-23ની અસરવાળી બબ્બે મોંઘવારી જાહેર કરી નાખી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઇ નિર્ણય ન લેવાતા રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોમાં આ બાબતે કચવાટ જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા ગત તા.1/1/22ની અસરથી 34 ટકા લેખે મોંઘવારી ભથ્થું ચુકવવાનો આદેશ જારી કરાયો હતો. બીજી તરફ જુલાઇ માસની અસરથી એટલે કે તા.1/7/2022ની અસરથી કેન્દ્ર સરકારે 4 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. બાદમાં તા.1/1/23ની સ્થિતિએ બીજું ચાર ટકા મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતુ. આથી કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોની હાલની મોંઘવારી 42 ટકા થઇ ગઇ છે. જયારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો હજી સુધી 34 ટકા લેખે જ મોંઘવારી ભથ્થું લે છે. (FILE PHOTO)