Site icon Revoi.in

ગુજરાતમાં ક્યા જિલ્લામાં ક્યારે વરસાદના ઝાપટાં પડશે? વેધર વોચ ગૃપની બેઠકમાં સમીક્ષા

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં આ વખતે મેઘરાજાએ લાંબો સમય મુકામ કર્યો છે. ભાદરવામાં પણ અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ગાંધીનગરમાં રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક  મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા  દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક  જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જે મુજબ તા.14મીને બુધવારે સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના  ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા તા.15મીને ગરૂવારે  દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

સિંચાઈ વિભાગના અધિકારીએ આ બેઠકમાં રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં  324375 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના  97.10 ટકા છે. રાજયનાં 206 જળાશયોમાં 476235  MCFT  પાણીનો સંગ્રહ છે,  જે કુલ સંગ્રહ શકિતના  85.32  ટકા છે. હાલમાં રાજ્યમાં 117 જળાશય હાઇ એલર્ટ ૫ર,  16  જળાશય એલર્ટ ૫ર  તેમજ 17 જળાશય વોર્નીગ ઉ૫ર  છે.  કૃષિ વિભાગના અધિકારીએ રાજ્યમાં થયેલા વાવેતર અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે તા.12મી સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત  84,16,795 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 82,83,010   હેક્ટર વાવેતર થયું હતુ. રાજયમાં હાલ NDRFની 8 ટીમો ડીપ્લોય કરાઇ છે, જેમાં  ભરૂચ-1, ભાવનગર-1, ગીર સોમનાથ-1, કચ્છ-1, નર્મદા-1, નવસારી-1, રાજકોટ-1,સુરત-1 NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં 2  અને વડોદરામાં 5 એમ કુલ-07 ટીમો રીઝર્વ રખાઇ છે. જ્યારે રાજયમાં હાલ SDRFની કુલ-11 ટીમ  સ્ટેન્ડબાય  છે.

આ બેઠકમાં કૃષિ વિભાગ, સિંચાઇ અને સરદાર સરોવર નર્મદા નિગમ,  NDRF, SDRF તથા ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, BISAG, કોસ્ટ ગાર્ડ,  પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટ, કમિશનર(મ્યુનિસિપાલિટી),  આર્મી તથા શહેરી વિકાસ વિભાગના અઘિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.