અયોધ્યા: અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામમંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના નૂતન વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ આયોજીત કરાયો છે. પરંતુ હવે સવાલ થઈ રહ્યો છે કે રામમંદિર સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે? તો તેનો જવાબ પણ મળી ગયો છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાણકારી આપી છે.
ચંપત રાયે કહ્યુ છે કે રામમંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે સદા માટે ખુલી જશે. તેમણે જાણકારી આપતા કહ્યુ છે કે પ્રાણ-પ્રતિષ્ઠા સમારંભમાં રામમંદિરના ગર્ભગૃહની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર હશે. તેમની સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નૃત્ય ગોપાલ દાસજી મહારાજ, યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને તમામ ટ્રસ્ટીઓ હાજર રહેશે.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યુ છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં 150થી વધુ સંતો, વિભિન્ન ક્ષેત્રોના વિશેષજ્ઞો અને પદ્મ પુરસ્કાર વિજેતાઓ પણ આમંત્રિત કરાયા છે.