Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.શાળાના શિક્ષકોને કોવિડમાં કામ કર્યાનું મહેનતાણું ક્યારે ચુકવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલ બોર્ડને શિક્ષકોને પણ કોરોનાની કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા. કોરોના થયો ત્યારથી મેડીકલ – પેરામેડીકલ સ્ટાફ સાથે શિક્ષકો પણ કામે લાગ્યા હતા.મ્યુનિ. સ્કૂલ બોર્ડના અલગ અલગ શિક્ષકોને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી છે ત્યારે શિક્ષકોને હવે કોવિડ ડ્યૂટીમાંથી મુક્તિ આપીને તેમને બાકીનું મહેનતાણું ચૂકવવા માંગણી કરવામાં આવી છે.

કોરોના કાળમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના અનેક શિક્ષકોને કોવિડ ડ્યૂટી સોંપવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક, સર્વે, ડેટા એન્ટ્રી અને વેક્સિનેશન જેવી કામગીરી સોંપવામાં આવી હતી. કોવિડ ડ્યૂટી સોંપ્યા બાદ શિક્ષકોને મહેનતાણું આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શરુઆતમાં ચૂકવણી બાદ પછી કરવામાં આવી નહોતી, જેથી શિક્ષકોને કોવિડ ડ્યૂટીમાં મુક્તિ અને વેતન આપવાની માંગણી કરવામાં આવી છે.

આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાના કેસ ઘટતા કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોની સંખ્યા ઘટી છે. કોરોનાની શરૂઆતથી શિક્ષકોને કોવિડ ડ્યૂટી સોંપવામાં આવી હતી.

શિક્ષણ સિવાયની સોંપાયેલી કામગીરીની અસર બાળકોના ઓનલાઈન શિક્ષણ પર પણ થઇ રહી છે. જેથી હવે શિક્ષકોને કોવિડ ડ્યૂટીમાંથી મુક્ત કરવા જોઈએ. ઉપરાંત શિક્ષકોને કોવિડ ડ્યુટી માટેનું બાકી મહેનતાણું 2.50 કરોડ કરતા વધુ છે તે ચૂકવવામાં આવે. કોરોનાની બીજી લહેરમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને કોરોનામાં અલગ અલગ ડ્યુટી આપવામાં આવી હતી. જેમાં વેક્સિન સેન્ટર, હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક, ટેસ્ટિંગ કેન્દ્ર, સર્વે સહિતની અલગ અલગ કામગીરી સોંપવામાં આવી હતી. જે કામગીરી દરમિયાન 50થી વધુ શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે.