ગાંધીનગરઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા તોતિંગ વધારાને કારણે મોંઘવારીએ માઝા મુકી છે. બીજીબાજુ કેન્દ્રિય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરીને 31 ટકા કરાયુ છે. ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓએ પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારી આપવાની માગણી કરી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકોને કેન્દ્રના ધોરણે 31 ટકા મોંઘવારી ભથ્થું શિક્ષકો સહિત રાજ્યભરના કર્મચારીઓને આપવાની માંગણી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે કરી છે. જોકે અગાઉ મોંઘવારી ભથ્થું 28 ટકા હતું તેમાં કેન્દ્ર સરકારે 3 ટકાનો વધારો કર્યો છે. પરંતુ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થાની જાહેરાત નહી કરતા કર્મચારીઓમાં રોષ ઉઠ્યો છે.
કેન્દ્રના કર્મચારીઓને દિવાળી ભેટ આપી હોય તેમ કેન્દ્ર સરકારે મોંઘવારીમાં 3 ટકાનો વધારો કરતા કુલ 31 ટકા મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. જોકે કેન્દ્ર સરકારને મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાતને પગલે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થું આપવાની માંગ કર્મચારીઓમાં પ્રબળ બની છે. ત્યારે રાજ્યના પ્રાથમિક શિક્ષકોને કેન્દ્રના ધોરણે મોંઘવારી 31 ટકા આપવાની માંગણી શિક્ષકોમાં ઉઠવા પામી છે. આથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને મહામંત્રી મિતેષ ભટ્ટે માંગણી કરી છે કે રાજ્યના અંદાજીત ત્રણ લાખ શિક્ષકો સહિતના અન્ય કર્મચારીઓને દિવાળીના તહેવારો પહેલાં મોંઘવારી ભથ્થું 28 ટકા છે. તેમાં 3 ટકાનો વધારો જાહેર કરવો. ઉપરાંત મોંઘવારી ભથ્થાની પાછલી અસરથી પુરવણી કર્મચારીઓને દિવાળી પહેલાં આપવાની માંગણી સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. દિવાળી પહેલા રાજ્ય સરકાર કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરે તેવી કર્મચારીઓ આશા રાખી રહ્યા છે.