ભાવનગરમાં વર્ષોથી ચાલતા ફ્લાઈઓવર બ્રિજનું કામ ક્યારે પુરૂ થશે?, તંત્રને ઢંઢોળવા કોંગ્રેસે કર્યો યજ્ઞ
ભાવનગરઃ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર ફ્લાઈ ઓવરબ્રિજનું કામ છેલ્લા બે વર્ષની ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. સમય મર્યાદામાં કામ પુરૂ ન થતાં બ્રિજના કોન્ટ્રાક્ટરને બેવાર મુદત પણ વધારી આપવામાં આવી હતી છતા પણ બ્રિજનું કામ ઘણુ બાકી છે. તે ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકે તેમ નથી. બીજી બાજુ નવા બની રહેલા આ ફ્લાઈ ઓવર બ્રિજની બન્ને બાજુએ નાના રસ્તાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પીકઅપ અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. ત્યારે શહેરીજનોની વેદનાને વાચા આપવા અને બ્રિજનું નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા શહેર કોંગ્રેસ દ્વારા બ્રિજ પાસે યજ્ઞ કરીને ઈશ્વર પાસે સત્તાધીશો માટે સદ્દબુધ્ધિની કામનાઓ કરી હતી.
ભાવનગરના પ્રવેશસમા ચિત્રાથી શહેર તરફ જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા પ્રથમ ફ્લાઈઓવર બ્રિજ નિર્માણનું કાર્ય છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી તદ્દન મંદ ગતિએ ચાલી રહ્યું છે, જેને લીધે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે. દરરોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓ ટ્રાફિકજામની સમસ્યાઓનો લાંબા સમયથી સામનો કરી રહ્યાં છે.
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બ્રિજ નિર્માણ કરતી કોન્ટ્રાક્ટ કંપનીને બે વાર સમય અવધિ વધારી આપી મુદતમાં વધારો કર્યો છતાં હજુ પણ મંથર ગતિએ કામ ચાલું છે કોંન્ટ્રાક્ટર સામે કોઈપણ જાતના પગલા ભરવામાં આવ્યાં નથી. શાસકો, અધિકારીઓ બધા કદાચ ભાગીદાર હોય તેવી લાકચર્ચા જાગી છે. માનીતા કોન્ટ્રાકટર સામે કોઈ પગલા લેવામાં આવ્યાં નથી. ત્યારે આ મુદ્દે સત્તાધિશોને ઈશ્વર સદ્દબુધ્ધિ આપે એવી નેમ સાથે શહેર કોંગ્રેસે નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગઢેચી વડલા સર્કલ ખાતે એકઠા થયેલા કોંગી કાર્યકરો-હોદ્દેદારો એ રોડપર યજ્ઞ કરી આહૂતિ આપી હતી. દરમિયાન આ અનોખા વિરોધ પ્રદર્શનને ડામી દેવા પોલીસે એન્ટ્રી કરી હતી અને યજ્ઞ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી, આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કર્યાં હતાં.