અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થાનો પ્રશ્ન છેલ્લા મહિનાઓથી ચર્ચામાં રહેતો હોય છે. રાજ્યના ઘણાબધા ગામડાંઓની સરકારી શાળાઓમાં પુરતા ઓરડાં ન હોવાથી વિદ્યાર્થીઓને ખૂલ્લામાં બેસીને ભણવું પડે છે. ઘણીબધી શાળાઓમાં તો પુરતા શિક્ષકો પણ નથી. કેટલીક શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી. એટલું નહીં રાજ્યની 4607 પ્રાથમિક શાળાઓ તેમજ 730 માધ્યમિક શાળાઓ (સરકારી અને ખાનગી) માં રમતના મેદાનો નથી.
રાજ્યમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ કૂદ, અને રમશે ગુજરાતના ગાણા ગાઈ રહી છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે, સરકારી અને ખાનગી મળી 5000 શાળાઓમાં રમત-ગમત માટેના મેદાનો જ નથી. કેટલીક શાળાઓ તો શોપિંગ સેન્ટરોમાં ધમધમી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરો પણ રમવાનું ભૂલશો નહીં. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં તેમણે કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં રમતગમતને હવે વધારાની પ્રવૃત્તિ એટલે કે એક્સ્ટ્રા એક્ટિવિટી નહીં, પરંતુ મુખ્ય શિક્ષણના જ એક ભાગ તરીકે સ્વીકારવામાં આવી છે. પણ વિદ્યાર્થીઓ રમશે ક્યાં? આ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્ય સરકારના આંકડાઓ મુજબ રાજ્યની 5300થી પણ વધારે શાળામાં રમતનાં મેદાનો જ નથી. વિધાનસભામાં બહાર આવેલી વિગતો પ્રમાણે સરકારી અને ખાનગી મળીને 4607 પ્રાથમિક શાળા અને 730 માધ્યમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રતમનાં મેદાન નથી.શાળાઓમાં મેદાન અંગે નિયમ એવો છે કે શહેરી વિસ્તાર હોય તો 800 ચોરસ મીટર અને ગ્રામ્ય વિસ્તાર હોય તો 1200 ચોરસ મીટરનું મેદાન હોવું જોઈએ.પરંતુ આ નિયમોનું પાલન થતુ નથી. રમત-ગમતના મેદાન ન હોય તો પણ ખાનગી શાળાઓને મંજુરી આપવામાં આવે છે.