અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા વખતથી સરકારી શાળાઓને મર્જ કરીને ખર્ચ ઘટાડવામાં આવી રહ્યો છે. જે શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી સરકારી શાળાઓ બંધ કરીને વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં મોકલવામાં આવે છે. જ્યારે બીજીબાજુ ગ્રાન્ટેડ શાળાઓને પણ ખંભાતી તાળાં મારવામાં આવી રહ્યા છે.સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મેળવવાનુ મધ્યમ પરિવારોનુ સપનુ રગદોળાઈ રહ્યુ છે. ગુજરાતમાં ગ્રાન્ટના અભાવે ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી રહ્યાં છે. વર્ષ 2010 માં રાજ્યભરમાં અંદાજે 4500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ હતી. છેલ્લા 10 વર્ષમાં ગ્રાન્ટેડ શાળાઓ ઘટીને 3,000 જેટલી બચી ગઈ છે. સરકાર દ્વારા અપાતી અપૂરતી ગ્રાન્ટને લઈ સંચાલક મંડળ તરફથી અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા નિષ્ક્રિયતા દાખવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 ના એક વર્ગ માટે 2500 રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે, જે વર્ષે 30,000 રૂપિયા જેટલી થાય છે. આ 30,000 રૂપિયાની ગ્રાન્ટ સામે શાળાના એક વર્ગ પાછળ સંચાલકોએ અંદાજે 2 લાખ જેટલી વાર્ષિક રકમ ખર્ચ પેટે ભોગવવી પડે છે. ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમ માત્ર શાળાઓના ઈન્ટરનેટ ખર્ચ 10,000 રૂપિયા, પરીક્ષા ખર્ચ એક વર્ગના વિદ્યાર્થીઓ પેટે અંદાજે 20,000 રૂપિયા પાછળ જ ખર્ચાઈ જાય છે. આ સિવાય સફાઈ કામદાર, ચોકીદાર, CCTV કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ, વાલીઓની મિટિંગ થાય એ ખર્ચ, વિદ્યાર્થીઓ માટે ઇત્તરપ્રવૃત્તિઓ પાછળ થતો ખર્ચ અંદાજે 75 હજાર રૂપિયા સુધી જઈ પહોંચતો હોય છે. દરેક ગ્રાન્ટેડ શાળા માટે સૌથી મોટો ખર્ચ લાઈટ બિલ અને મ્યુનિ.નો વેરો તેમજ મકાન ભાડા પેટે થતો હોય છે. ગ્રાન્ટેડ શાળાનો એક વર્ષ ચલાવવા સરકાર દ્વારા અપાતા 30,000 રૂપિયા સામે એકવર્ષ ચલાવવા ગ્રાન્ટેડ શાળાના સંચાલકને 2 લાખ રૂપિયાનો કરવો પડે છે. આ ખર્ચ સરકાર તરફથી અપાતી ગ્રાન્ટ ના પોસાતા 1500 ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી ગયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સરકારની નીતિથી પરેશાન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ભવિષ્યમાં વધુ શાળાઓ બંધ કરે તેવી પરિસ્થિતિ ઉદભવી છે. રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ જે ગતિએ બંધ થઈ રહી છે એ જોતા ભવિષ્યમાં શિક્ષણ મોંઘું થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાનગી શાળા સંચાલકોને છૂટો દોર મળે તેવી સ્થિતિ પેદા થશે. સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મેળવવાના ગરીબ-મધ્યમ પરિવારનું સપનું રોળાશે. (file photo)