લખનૌ: ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે આઠ બેઠકો પર લોકસભાની ચૂંટણી થવાની છે. નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ ચુકી છે. તેવામાં સૌની નજર પીલીભીત બેઠક પર મંડાયેલી છે. 2019માં આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના પુત્ર વરુણ ગાંધી ચૂંટણી જીત્યા હતા. પરતું આ વખતે ભાજપે હજી સુધી પીલીભીત પરથી કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી.
તેવામાં લોકોના મનમાં બસ એ સવાલ પેદા થઈ રહ્યો છે કે શું બાજપ વરુણ ગાંધીની ટિકિટ કાપશે કે પછી તેમને પીલીભીતના ચૂંટણી જંગમાં ઉતારશે?જો ઉતારવામાં આવશે, તો આટલો વિલંબ શા માટે? હાલ સૂત્રોનું કહેવું છે કે જો ભાજપે વરુણ ગાંધીને ટિકિટ ન આપી, તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં વરુણ ગાંધીએ પીલીભીતથી ચૂંટણી લડી હતી અને ત્રીજી વખત તેઓ જીત્યા હતા.
જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે વરુણ ગાંધીએ પોતાના પ્રતિનિધિ એમ. મલિકને પીલીભીત મોકલીને ચાર સેટ નામાંકન પત્રોની ખરીદી કરાવી છે. પ્રતિનિધિ નામાંકનના ચાર સેટની ખરીદી કરીને દિલ્હી પાછા ફર્યા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સંકેત આપ્યા છે કે તેમના માટે તેમની પાર્ટીના દરવાજા ખુલ્લા છે.
ભાજપે હજી સુધી પીલીભીત માટે ઉમેદવાર નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વાળી કેન્દ્રીય ચૂંટણી સમિતિની અંદર ચર્ચા કરી નથી. યુપીમાં બાજપે લોકસભા ચૂંટણી માટે 51 ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. જેમાં આંબેડકરનગરથી બીએસપીના ભૂતપૂર્વ સાંસદ રિતેશ પાંડે મેદાનમાં છે. તો હેમામાલિની, રવિ કિશન, અજય મિશ્રા ટેની, મહેશ શર્મા, એસપીએસ બધેલ અને સાક્ષી મહારાજ જેવા ઉમેદવારો સામેલ છે. તેમને પોતાની બેઠકો પર ફરીથી ટિકિટ આપવામાં આવી છે.
આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લખનૌથી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડશે.
કોર કમિટીની બેઠકમાં પ્રદેશ સ્તરના ભાજપના તમામ નેતાઓએ વરુણ ગાંધીને ટિકિટ ફાળવવાનો વિરોધ કર્યો. વરુણ ગાંધી પોતાની જ સરકાર અને પાર્ટી પર છેલ્લા ઘણાં વખતથી આક્રમક છે. તેનાથી વિપક્ષને પણ ભાજપને ઘેરવાનો મોકો મળે છે.
ગત વર્ષ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર સ્પષ્ટપણે કટાક્ષ કરતા તેમણે કહ્યુ હતુ કે તેઓ આસપાસના સાધુઓને હેરાન કરે નહીં, કારણ કે કોઈ જાણતું નથી કે મહારાજજી ક્યારે મુખ્યમંત્રી બનશે. સપ્ટેમ્બર, 2023માં તેમણે એક દર્દીના મોત બાદ અમેઠીમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરવાના ઉત્તરપ્રદેશની ભાજપ સરકારના નિર્ણયની ઠેકડી ઉડાડી હતી. તેમણે એક્સ પર લખ્યું હતું કે એક નામની વિરુદ્ધ નારાજગીથી લોકોનું કામ ખરાબ થવું જોઈએ નહીં.