અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવનારી સેમેસ્ટર-6-4 અને 1ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ઓનલાઇન આપવી છે કે ઓફલાઇન તેના માટેની સંમતિ માગવામાં આવી છે. 21મી મે સુધીમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન સંમતિ આપવા સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓની સંમતિ આવ્યા બાદ ઓનલાઇન એક્ઝામ કયારે લેવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત કરાશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાઈ હતી. બીજા તબક્કાની ઓનલાઇન એક્ઝામ આગામી દિવસોમાં લેવાનું નક્કી કરાયું છે. બીજીબીજુ આગામી દિવસોમાં બી.એ, બી.કોમ, બી.એસ.સી અને બીસીએ સેમેસ્ટર-1 અને 6 ઉપરાંત બી.એડ, એમ.એ., એમ.કોમ અને એમ.એડ સેમેસ્ટર-4 અને બી.એડ સેમેસ્ટર-1ની પરીક્ષા લેવામાં આવશે. કોરોના મહામારીની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓને ઓનલાઇન એક્ઝામ આપવા માગે છે કે ઓફલાઇન તેનો વિકલ્પ આપવાનું નક્કી કરાયું છે.
યુનિવર્સિટી દ્વારા આજે આ સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ઓનલાઇન કે ઓફલાઇન મોડમાં એક્ઝામ આપવા માગે છે તેની 21મી મે સુધીમાં સ્પષ્ટતા કરવા સૂચના આપવામાં આવી છે. જેઓ ઓનલાઇન એક્ઝામનો વિકલ્પ પસંદ કરશે તેની પરીક્ષા આગામી દિવસોમાં જાહેર કરાશે. જે વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કરશે તેઓની પરીક્ષા કોરોના મહામારી ઓછી થયા બાદ પરિસ્થિતિ અનુકુળ થાય ત્યારે લેવાશે.
ઓનલાઇન એક્ઝામમાં કુલ 50 પ્રશ્ન સાથે 50 ગુણની પરીક્ષા લેવાશે. એક પ્રશ્નના જવાબ એક મિનિટમાં આપવાનો રહેશે. આ પરીક્ષા MCQ આધારિત રહેશે. એક વખત ઓનલાઇન કે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યા પછી બદલી શકાશે નહીં. આ પરીક્ષા પહેલા મોક ટેસ્ટ લેવાશે. દરેક વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ આપવી ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપશે નહીં તેમને ઓનલાઇન એક્ઝામ આપવા દેવાશે નહીં તેવી સ્પષ્ટતા પણ પરીક્ષા વિભાગે કરી છે. મોક ટેસ્ટ ઉપરાંત ટ્રાયલ ટેસ્ટ પણ લેવાશે. આ બંને એક્ઝામનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. ટ્રાયલ ટેસ્ટ વિદ્યાર્થીઓના મહાવરા માટે 10 પ્રશ્નોની લેવાશે, એક કરતાં વધારે વખત એક્ઝામ આપી શકાશે.
દરેક વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એક્ઝામ ફરજિયાત નથી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામનો વિકલ્પ પસંદ કરે તે હિતાવહ છે તેવી તાકીદ પણ કરાઈ છે. આ ઉપરાંત ઓનલાઇન એક્ઝામના નિયમો અને ગાઇડલાઇન પર વેબસાઇટ પર જાહેર કરાયા છે.