અમદાવાદમાં IPL મેચના લીધે ક્યા રસ્તાઓ બંધ રહેશે? ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા જાણો,
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ઓપનિંગ સેરેમની ગુજરાતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાલે 31મીએ યોજાશે. જેને લઈને સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પહેલી મેચ ગુજરાત અને ચેન્નઈ વચ્ચે યોજાશે. જેને લીધે બન્ને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવવાના હોવાથી પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ મેચના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ન જાય એના માટે ઘણા રૂટ ડાઈવર્ટ કર્યા છે. મેચ પૂર્વે જનપથથી મોટેરા સુધીનો રસ્તો બંધ રહેશે. વળી વૈકલ્પિક રૂટ તરીકે વિસત ONGCથી તપોવન સર્કલ સુધી વાહનચાલકો માટે ખુલ્લો રહેશે. દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મેચના લગભગ 2થી 3 કલાક પહેલાથી જ પ્રવેશ આપી દેવાશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના કેટલાક રૂટને ડાયવર્ટ કરાયા છે. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ન જાય એના માટે 3 હજાર જેટલા પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહેશે. જ્યારે બીજી બાજુ કાલે મેચના દિવસે 17 એસીપી, 9 ડીસીપી, 36 પીઆઈનેબંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. કાલે મેચના દિવસે બપોરથી જ 2 વાગ્યે જનપથથી વિસત અને ત્યાંથી લઈને તપોવન સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે કાલે શુક્રવારે સાંજે 7 વાગ્યે મેચ રમાશે. મેચ પૂર્વે જનપથથી મોટેરા સુધીનો રસ્તો બંધ રહેશે. વળી વૈકલ્પિક રૂટ તરીકે વિસત ONGCથી તપોવન સર્કલ સુધી વાહનચાલકો માટે ખુલ્લો રહેશે. મેટ્રો પણ રાત્રે 2.30 વાગ્યા સુધી ચાલુ રહેશે. સ્ટેડિયમ આસપાસ 20 જેટલા પાર્કિંગ પ્લોટમાં પ્રાઈવેટ સિક્યોરિટી તૈનાત કરીને ખાસ સુવિધા પુરી પાડવામાં આવી છે. એટલું જ નહીં જો કોઈએ પોતાનું વાહન પાર્ક કર્યું હશે તો ત્યાંથી સ્ટેડિયમ સુધી લઈ જવા માટે ફ્રી શટલ સર્વિસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. પ્રેક્ષકોને પોલીસ દ્વારા હવે મેટ્રો અને બીઆરટીએસનો વધુ ઉપયોગ કરવા પણ સલાહ આપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મેચના દિવસે રાત્રે 2.30 વાગ્યા સુધી મેટ્રો રેલની સુવિધા ચાલુ રહેશે. એટલું જ નહીં આ દરમિયાન દર 8થી 10 મિનિટે ટ્રેન આવતી રહેશે. બીજી બાજુ જોઈએ તો બીઆરટીએસની 29 બસો વધારી દેવામાં આવી છે. જેથી જાહેર માર્ગોની વાહન વ્યવસ્થા જળવાઈ રહે.