Site icon Revoi.in

વલસાડના કાંજણ રણછોડ ગામની શાળામાં બાળકો ભણતા હતા ત્યારે છત તૂટી પડી, 41 બાળકોનો બચાવ

Social Share

વલસાડઃ રાજ્યમાં અંતરિયાળ ગામોની અનેક શાળાઓના મકાનો જર્જિરિત બન્યા છે. જેમાં ચોમાસાની સીઝનમાં કેટલીક શાળાઓના બાળકો તો ભયના ઓથાર હેઠળ બણી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે કાજણ રણછોડ ગામની શાળાનો જર્જરિત ઓરડાંનો શેડ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 41 બાળકો 3 ઓરડાંમાં બેઠા હતા. તે દરમિયાન ઓરડાના શેડની છત ધડાકા સાથે તૂટી પડી હતી. જો કે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જેથી કોઇ જાનહાની ટળી હતી. બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા.

વલસાડ તાલુકાની કાંજણ રણછોડ ગામની પ્રાથમિક શાળા ઘણા સમયથી જર્જરિત બની હતી. શાળાના નવા બાંધકામની મંજૂરી મળી છે, પણ બાંધકામ શરૂ કરાયું ન હોવાથી બાળકોને જર્જરિત શાળાના ઓરડાંમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. તંત્રના અધિકારીઓની બેદરકારીથી જર્જરિત શાળાના ઓરડાના શેડની છત તૂટી પડતા ગ્રામજનો દોડી આવ્યા હતા. તાત્કાલિક 3 જેટલા ઓરડામાંથી 41 જેટલા બાળકોને બહાર કાઢ્યા હતા. અને પંચાયતના હોલમાં બેસાડવામાં આવ્યા હતા. આ સ્કૂલમાં 155 બાળકો અભ્યાસ કરે છે. આ શાળાના તમામ ઓરડાં જર્જરિત હોવાથી શાળા અને ઓરડાં તોડવા અને બાંધકામની મજુરી મળી હોવા છતા જર્જરિત શાળામાં બાળકો અભ્યાસ કરવા મજબુર બન્યા હતા.

બેદરકારીના કારણે 41 બાળકોના જીવ તાળવે ચોંટયા હતા. જો કે ઘટના કોઇ જાનહાની નથી થઇ જે ખુબ જ સકારાત્મક વાત છે. હાલ આ બાબતની જાણ શિક્ષણ વિભાગને શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાને લઈ ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી સ્થાનિક ગામલોકોની માંગ સરકાર પાસે હતી પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા આવ્યા નથી.