પોરબંદરઃ જિલ્લામાં બરડા ડુંગર વિસ્તારમાં દીપડાની વસતીમાં વધારો થયો છે. દીપડા શિકારની શોધમાં ગામડાંઓ અને શહેરી વિસ્તાર નજીક પર લટાર મારતા જોવા મળતા હોય છે. ત્યારે રાણાવાવ નજીક પાવ સીમમાં આવેલી એક વાડીમાં કૂવા નજીક ખીલે બાંધેલી ગાય અને શ્વાનનો શિકાર કરવા માટે દીપડો ધસી આવ્યો હતો. અને ગાયના શિકાર કરવા માટે જમ્પ મારતાં દીપડો કૂવામાં ખાબકયો હતો. દીપડાંને બહાર કાઢવા માટે વનવિભાગની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેર નજીક આવેલી પાઉ સીમમા ગીગાભાઇ વેજાભાઇ ગોઢાણીયાની વાડીમાં રાતના સમયે દીપડો ચડી આવ્યો હતો. કૂવાની બાજુમાં બાંધેલી ગીર ગાય અને શ્વાનનો શિકાર કરવા જતા દીપડો કૂવામાં ખાબકયો હતો. બીજા દિવસે ખેડૂતને ધ્યાન પર આવતા અને કૂવામાં નજર કરતા દીપડો ઊંડા કૂવામાં જોવા મળ્યો હતો. આ અંગે બાજુની વાડીમાં રહેતા ખેડૂત પ્રતાપભાઇ ખીસ્તરીયાને જાણ કરતા તેમણે વનવિભાગને જાણ કરી હતી. જેને પગલે વનવિભાગની ટીમ પાંજરૂ લઇ અને સ્થળ પર પહોંચી અને રેસ્કયુની કામગીરી હાથ ધરી છે. કૂવો ઊંડો હોવાથી દીપડાને બહાર કાઢવામાં વન વિભાગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, બરડા ડુંગરમા દીપડા વસવાટ કરે છે અને પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત શહેરમાં પણ આવી ચડે છે. બરડા ડુંગરની બાજુમાં આવેલી પાઉ સીમ વિસ્તારમાં અવારનાવર દીપડાં પશુઓના મારણ કરતા હોય છે. ગતરાત્રિના ગાય અને શ્વાન શિકાર કરવા જતા દીપડો કૂવામાં ખાબક્યો હતો.